Gujarat

શ્રી કષ્ટભંજનદેવને સેવંતીના ફૂલોનો શણગાર

સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

મંગળવાર, 11 માર્ચ 2025ના રોજ દાદાને કલરફૂલ વાઘા અને સેવંતીના મિશ્રિત ફૂલોથી સજાવવામાં આવ્યા. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી. ત્યારબાદ સવારે 7:00 વાગ્યે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ શણગાર આરતી ઉતારી.

પૂજારી સ્વામીના જણાવ્યા અનુસાર, દાદાના સિંહાસનને કાપડ અને સેવંતીના ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. દાદાને પહેરાવવામાં આવેલા પંચરંગી વાઘા રાજકોટમાં એક અઠવાડિયાની મહેનતથી તૈયાર કરવામાં આવ્યા છે. આ વિશેષ શણગારમાં 11થી વધુ ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક હરિભક્તોએ આ દિવ્ય શણગારના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.