સુરત સાઇબર ક્રાઇમ સેલે નકલી પેઢીઓ બનાવી બેંકો સાથે છેતરપિંડી કરવાના ગોટાળામાં સામેલ નાસતા ફરતા આરોપી નીલેશ નાયકને ઝડપી લીધો છે. આરોપી અને તેના સાગરીતો ખોટા દસ્તાવેજો તૈયાર કરીને બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવતા અને તેનો સાઇબર ફ્રોડ માટે ઉપયોગમાં લેતા. અગાઉ સાત લોકોની ધરપકડ કરાઈ છે.
આ ગેંગમાં એક ઓટો ડ્રાઈવર, બે હીરા મજૂર, એક શ્રમિક અને ત્રણ બેકાર લોકો સામેલ હતા. તેઓ નકલી બેંક એકાઉન્ટની કીટ દુબઈમાં રહેલા સાઇબર ગુનેગારોને મોકલતા અને કમિશન મેળવી ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા.
આરોપી નીલેશ સુરેશ નાયક સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતો અને ટ્રાવેલ્સનો ધંધો ચલાવતો હતો. તે ગેંગના મુખ્ય સભ્યોમાંથી એક હતો, જે અલગ અલગ બેંકોમાં કરન્ટ એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ સાયબર ગુનામાં કરતો હતો. ગેંગે નકલી પેઢીઓ ઉભી કરીને બેંકોમાં ખોટી દસ્તાવેજી પ્રક્રિયા કરીને અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
બેંક એકાઉન્ટ કીટ દુબઈ મોકલાતી હતી નીલેશ નકલી બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ, ચેકબુક અને અન્ય દસ્તાવેજો મેળવતો અને તે દુબઈમાં રહેલા સાઇબર ગુનેગાર માયાને મોકલતો હતો. તે દરેક બેંક એકાઉન્ટ માટે જુદી જુદી રકમનો કમિશન લઈ ગેંગ માટે આર્થિક લાભ કમાતો હતો.
ગેંગે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટને સાઇબર ફ્રોડમાં ઉપયોગ કરવા માટે તૈયાર કર્યા હતા, જેના કારણે કેટલાક નિર્દોષ લોકોના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ.