Gujarat

શેખપીર ત્રણ રસ્તા પાસે ધ્રોબા-કંડલા રૂટની બસમાં શોર્ટ સર્કિટથી આગ, મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા

ભુજના શેખપીર ત્રણ રસ્તા નજીક એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ધ્રોબાથી કંડલા રૂટની લોકલ એસટી બસ નંબર GJ 18 Z 4754માં સવારે 10:10 વાગ્યે અચાનક આગ લાગી હતી.

ચાલક કેબિનમાં વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઊઠી હતી.

બસ ચાલકની સૂઝબૂઝથી તમામ મુસાફરોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

જેના કારણે કોઈ જાનહાની થઈ નથી.

પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં ભુજ ફાયર ડિપાર્ટમેન્ટની ટીમને તરત જ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ કામગીરીમાં ડ્રાઇવર જીજ્ઞેશ જેઠવા, ફાયરમેન અરમાન પટ્ટણી અને વિશાલ ગોર સહિત ટ્રેનિંગ સ્ટાફે ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભારે ગરમીના દિવસોમાં આ બીજો બનાવ છે.

આ અગાઉ ગઈકાલે રાધનપુર હાઇવે પર રાપરના કાનમેર પાટિયા પાસે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી.