Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ દ્વારા માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિર અને નિ:શૂલ્ક પેડ વિતરણ

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ, શ્રી પન્નાબેન નાયક તથા શ્રી નટવરભાઇ ગાંધીના સહયોગથી, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારની દિકરીઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ સાવરકુંડલા તેમજ આજુબાજુના ૧૦ થી ૧૨ શાળાઓ તથા કોલેજોમાં અભ્યાસ કરતી દિકરીઓને નિ:શૂલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે.
માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિરમાં આશરે ૨૮૦૦ થી ૩૦૦૦ દિકરીઓએ ભાગ લીધો છે અને લગભગ ૬૦,૦૦૦ પેડનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ શિબિરોનો મુખ્ય હેતુ દિકરીઓમાં માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી, તેમના આરોગ્યનું રક્ષણ કરવું અને તેમને આત્મવિશ્વાસ તથા સશક્તિકરણ તરફ પ્રેરિત કરવાનું છે.શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મહિલા ડોકટરો દ્વારા આ શિબિરો દરમિયાન વિવિધ શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ પ્રવચનો આપવામાં આવે છે.
આ પ્રવચનોમાં માસિક ચક્ર દરમિયાન જળવાયેલી સ્વચ્છતા, યોગ્ય ઉપયોગ અને નિવારણના ઉપાયો તથા આ વિષયક મિથકો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. સાથે જ દિકરીઓના મનમાંથી શરમ અને ભય દૂર કરીને તેમને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ માત્ર પેડ વિતરણમાં મર્યાદિત નથી, પરંતુ દિકરીઓને શારીરિક તથા માનસિક રૂપે સશક્ત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે.
આ સાથે, તેમના ભવિષ્યને આરોગ્યપ્રદ અને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ પણ સામેલ છે. દરેક દિકરીને દર બે મહિને આ જ પ્રકારે ફરીથી નિ:શૂલ્ક પેડ વિતરણ કરવામાં આવે છે, જેથી દિકરીઓને સતત માસિક સ્વચ્છતા જાળવવામાં સહાય મળે અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકે. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના આ નિરંતર પ્રયોગથી સમાજમાં સકારાત્મક ફેરફાર આવી રહ્યો છે, જે પેઢી દર પેઢી દિકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવશે.
બિપીન પાંધી સાવરકુંડલા