Gujarat

ઉદ્યોગનગરની 72 મિલકતનો સાંકેતિક કબજો લીધો, અગાઉ 122 મિલકતનો કબજો લીધો’તો

જામનગર મહાનગરપાલિકાએ જીઆઈડીસી ફેસ-2 અને 3ની આઠ દુકાન અને રહેણાંક મકાનો સહિત 72 મિલકતોનો સાંકેતિક કબજો લેતા બાકી વેરાદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

મહાનગરપાલિકાના તંત્ર દ્વારા મિલ્કતવેરાના બાકીદારો સામે ગત વર્ષથી કડક કાર્યવાહીના ભાગરૂપે જે તે બાકીદારોની મિલ્કતો ઉપરનો લેણાનો બોજ હોવાથી મિલ્કતોનો સાંકેતિક કબ્જો લેવા સીટી સર્વે કચેરીમાં મિલ્કતો ઉપર મ્યુ. કોર્પોરેશનનો અગ્ર હક્ક દાખલ કરાવીને સાંકેતિક કબ્જો લેવાની પ્રથા શરુ કરવામાં આવી છે.

ચાલુ વર્ષે મ્યુ. તંત્રએ પ્રથમ બાવન, પછી 70 મલ્કતોનો સાંકેતિક કબ્જો લેવાયા પછી હવે વધુ 72 મિલ્કતોના બાકીદારોને ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુ. કોર્પો.ના કાયદા મુજબ વેરો ભરવા નોટીસો આપ્યા બાદ, વોરંટ જારી કરીને તેઓને 15 દિવસનો સમય આપ્યો હતો.

પછી પણ વેરો નહીં ભરવામાં આવતા વધુ પાંચ દિવસોનો સમય આપતી અનુસુચિ (આખરી નોટીસ) બજાવી હતી. આ પ્રક્રિયાના 8 થી 12 મહિનાઓ બાદ મ્યુ. હાઉસટેક્સ વિભાગ દ્વારા જીઆઈડીસી-ર, 3ની અમુક મિલ્કતોના લાખો રુપિયાના તો રહેણાંક મિલ્કતોના હજારો રૂપિયાના બાકી વેરા હોવાથી આ તમામ મિલ્કતોનો સાંકેતિક કબ્જો લેવા કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ મહાનગરપાલિકાની બાકી વેરાની વસૂલાત માટે આકરી કાર્યવાહીથી બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.