Gujarat

મૌનનું મહાત્મ્ય

મૌનનું મહાત્મ્ય – રેખા પટેલ (ડેલાવર )

મૌન એટલે શાંતિનું એક સ્વરૂપ, સંયમની પ્રતિકૃતિ અને આત્મા સાથેના સંવાદનું માધ્યમ. આજે જ્યારે વિશ્વ વાકયુદ્ધ, ચર્ચાઓ વાટાધાટો અને અવાજોથી ભરાયેલું છે, ત્યારે મૌનની મહત્તા સમજવી અને સ્વીકારવી એ માનસિક સ્વસ્થતા માટે ખૂબ જ આવશ્યક છે. મૌન એ શૂન્યતા નથી – તે એક જીવંત ભાષા છે, જે શબ્દ વિના ઘણી વાતો કહી જાય છે.

મૌન રહેનાર કે ઓછું બોલનાર વધારે વિચારશીલ હોય છે, પરિણામે તેઓ અંદરથી નિરીક્ષણ કરતો રહે છે. જેના કારણે તેનું વ્યક્તિત્વ વધુ ઘડાયું હોય છે. વૈજ્ઞાનિક રીતે પણ આવા વ્યક્તિઓ રચનાત્મક અને ક્રિયાશીલ મગજ અને વિચારો ઘરાવે છે. રોજીંદા જીવનમાં મૌનનું મહત્વ અલગ છે. એ આંતરિક આરામ સાથે સંગીત છે. જે શબ્દોથી દુર છતાં સંપૂર્ણ છે.
 
મૌનનો અર્થ માત્ર ન બોલવાનું નથી. ખરેખર મૌન એટલે અંદરના અવાજને સાંભળવો. બાહ્ય અવાજ શમાય છે, ત્યાં અંતરાત્માની વાણી જાગે છે. મૌન માનવીને પોતાનું પ્રતિબિંબ દેખાડે છે, આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ બતાવે છે, જે વિચારશીલતાની પ્રથમ અવસ્થા છે.
 જ્યાં શબ્દ ખૂટી જાય છે, ત્યાં મૌન સંભળાય છે. કડવાશ સામે શબ્દોનું ઝેર ફેલાય છે ત્યારે પીડા વધે છે સામે મૌન શાંતિ આપી જાય છે, એ સહનશક્તિનું પણ પ્રતીક છે.

ઘણાં સંજોગોમાં, જ્યારે જવાબ આપવો સરળ હોય છે, ત્યારે મૌન રહી જવું એ સાહસ છે. કોઈના ત્રાસ સામે મૌન થવું, તેનો અર્થ ક્યારેય દબાવ થવો નથી.

એ એક જાગૃત સંયમ છે. જેમ ઊંડો દરિયો બહારથી શાંત દેખાય છે, તેમ મૌન વ્યક્તિની અંદર ઊંડાણ હોય છે. સહેલું નથી બહારના અવાજ અને દબાણ સામે શાંતિથી ચુપ રહેવાનું. અહી વ્યક્તિની પરીક્ષા થાય છે. નાં બોલીને પણ ઘણું કહી શકાય છે. ઘણું કરી શકાય છે.
 
સાહિત્યમાં મૌનને ઊંડા તત્વ તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. કવિ રવીન્દ્રનાથ ટાગોર કહે છે:
 
“મૌન એ એક એવું સંગીત છે, જે દરેક હૃદયમાં અલગ રીતે ગુંજે છે.” મેડીટેશન અને સાઇલેન્ટ થેરાપી આજ મૌનવ્રતના ઉદાહરણો છે જેમાં સ્ટ્રેસ લેવલને ઘટાડી શકાય છે.
 
આજના યુદ્ધોનાં ભણકારા ભર્યા વિશ્વમાં મૌનની જરૂરિયાત ઘણી છે. શબ્દોના સંગાથથી જ્યારે સંહાર થતો હોય ત્યારે મૌનનું શસ્ત્ર મજબુત ગણાય છે. અંતે, મૌન એ દુર્બળતા નથી, એ આંતરિક બળ છે. જો કોઈ મૌન રહીને પણ પોતાના વિચારો, ભાવનાઓ અને સહનશક્તિથી વિશ્વને સ્પર્શી શકે, તો તે સાચો ‘મૌનયોદ્ધા’ કહેવો જોઈએ.
 
જ્યાં શબ્દો તૂટી પડે, ખૂટી પડે ત્યારે મૌન બોલવા લાગે એજ એનું મહાત્મ્ય. મૌન બોલ્યા વગર પણ બધું કહી જાય છે. આ એક એવી ભાવભીની પ્રવાહી ભાષા જે આંખોથી રેલાય છે અને હૃદયમાં ઊંડે સુધી ઉતરી જાય છે.
 
ન બોલાય કે બતાવાય , છતાં બધું કહી જાય,
મૌન બને વહેણ, ભીતર ઊંડે વહે જાય.
 
વેર કે વિરોધનાં વાવાઝોડાં હલાવી જાય,
સહન રહે જ્યાં હ્રદયે, શાંતિ ત્યાં વસે જાય.
 
કડવાશ આપવા જીભે કડવુ હોવું પડે,
શબ્દના સંયમથી શાંત સરોવર વહે જાય.
 
મૌન એ જ તો બળ છે, શૂરવીરોથી ઊંચું,
શબ્દો વગરની ભાષા, જે મનને સ્પર્શે જાય,

મૌન શસ્ત્ર છે એ ભય કે કાયરતા નથી.“છતાં અન્યાય અને અત્યાચાર સામે ચૂપ રહેવું એ પણ કાયરતા છે”. જ્યારે આપણાં મૌનથી અન્યાય વધે, અને દુઃખી વધુ પીડાય, ત્યારે મૌન રહેવું યોગ્ય નથી.
 
મહાત્મા ગાંધી પણ મૌનને “અંતર્મુખી શક્તિ” માને છે. અનેક મહાન વ્યક્તિઓ યોગી પુરુષો ‘મૌનવ્રત’ દ્વારા આંતરિક આત્મબળને જાગૃત કરતા રહે છે. છતાં અસત્ય સામે અવાજ ઉઠાવવો, અન્યાય સામે લડવું, એ પણ જરૂરી છે. આજ કારણોસર ભૂતકાળમાં મહાત્મા ગાંધી, ડૉ. અંબેડકર, નેલ્સન મંડેલા જેવા મહાન વ્યક્તિઓએ મૌનની સાથે યોગ્ય સમયે ધીરજપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો.

ગાંધીજી મૌનની મહત્તા સમજતા હતા આથી તેઓ નિયમિત “મૌનવ્રત” લેતા. પરંતુ અંગ્રેજોના અન્યાય સામે ચુપ ના રહેતા , સાબરમતીથી દાંડી યાત્રા કરી, મીઠાનાં કાયદા સામે અવાજ ઉઠાવ્યો. એ મૌનનું શસ્ત્ર જરૂર પડી, ત્યારે અવાજ પણ બની ગયું.
 
મૌન પણ શસ્ત્ર છે, યુદ્ધ વિના જીતવા,
પણ જો સત્ય ઘૂંટાઈ જાય, તો બોલવાનું શિખવું પડે।
 
અન્યાય જો સામે હોય, તો શાંતિ એક પાપ બને,
ટાળવા દુઃખ, વાળવા યુદ્ધ બની મક્કમ બોલવું પડે!

IMG-20250706-WA0083.jpg