‘કોઈ વ્યક્તિ દિવ્યાંગ શરીરથી હોય શકે, પણ મનથી નહિ’…. 2015માં મને ડોક્ટરે સ્વિમિંગ સર્ટીફિકેટ આપવાની ના પાડી ત્યારે મને ખુબ જ દુ:ખ થયું હતું. ડોક્ટરે કહ્યું હતુ કે, તમે કંઈ થશે તો મારી જવાબદારી આવશે. આ સમયે મારા પપ્પાએ મને સપોર્ટ કર્યો અને ડોક્ટરને કહી દીધુ કે, મને કઈ થશે તો તેની જવાબદારી તેમની રહેશે. સતત 5 મહિના સુધી પ્રેક્ટિસ કરીને હું સ્વિમિંગ શીખ્યો હતો. નેશનલ લેવલની સિલેક્શન સ્પર્ધામાં પહેલી જ ટ્રાયે પાસ થઇ ગયો હતો.
હું 90 ટકા ડિસેબલ છું. હવે મને એવું લાગે છે કે, દુનિયામાં કંઈ પણ કામ કરી શકાય છે, કંઈ અશક્ય નથી. આ શબ્દો છે સુરતના દિવ્યાંગ રોહન ચાસીયાના. જીદ એવી કે પાંચ મહિનામાં જ ગોલ્ડ મેળવી તેણે પોતાની જાતને સાબિત કરી. તો આવો જાણીએ 27 વર્ષીય રોહનના સંઘર્ષની કહાની….
ડોક્ટરોએ કહી દીધુ- દુનિયાના કોઈ ખુણે સારવાર નહિ થાય રોહન ચાસીયાનો જન્મ વર્ષ 1998માં થયો હતો. રોહનને જન્મથી જ 90 ટકા દિવ્યાંગતા હોવાના કારણે અન્ય બાળકોની જેમ દોડવું, રમવી, નાચવું એ સપનાથી વધુ કંઈ નહોતું.
કમરથી નીચેનો ભાગ કોઈપણ પ્રકારની હિલચાલ કરી શકતો નહોંતો. માતા-પિતાએ રોહનને શ્રેષ્ઠ ડોક્ટરોને બતાવ્યો પણ ડોક્ટરોએ પણ કહી દીધુ હતું કે, આની સારવાર કોઈપણ દેશમાં શક્ય નથી. આ વાત એક સામાન્ય વ્યક્તિ માટે નિરાશાનું કારણ બની શકે, પણ રોહન માટે આ એક ચેલેન્જ હતી.