2022ની બીજી જુલાઈએ જે રીતે ભારે વરસાદ બનાસકાંઠામાં ત્રાટક્યો હતો તે જ રીતે 3 વર્ષે પાલનપુર શહેરમાં 3 જુલાઈ ચાર કલાકમાં 6 ઈંચ વરસાદમાં ઘમરોળાયું, બરાબર એજ સમયે બાજુના તાલુકાઓ દાંતીવાડા, ધાનેરા અને વડગામ તાલુકામાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું.
બારે મેઘ ખાંગા થયા હોય તેમ પાલનપુર શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા. શહેરમાંથી પસાર થતા અમદાવાદ હાઈવે પર પાણી ભરાતાજ વાહનો ફસાવા લાગ્યા.
સવારે છ વાગ્યા સુધીમાં તો તંત્રને જાણ થઈ ગઈ કે ભારે વરસાદ ત્રાટકી ગયો છે અને નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાઈ રહ્યા છે.
લક્ષ્મીપુરા બેચરપુરા સહિતના જુદા જુદા વિસ્તારોનું વરસાદી પાણી અમદાવાદ બ્રિજના નીચે આવેલા નાળા તરફ વળવા લાગ્યું.
પરંતુ એ પહેલા તો પાણી એ વૃંદાવન કોલોનીમાં રહેતા લોકોની હાલત કફોડી કરી દીધી હતી.
ચારથી પાંચ ફૂટ ઊંડા પાણીનું વહેણ થયું. વૃંદાવન સોસાયટીના રોડ સાઇડના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા. રહીશોના જીવ પડી કે બંધાયા.
સોસાયટીમાં અનેક ઘરોના સૌચાલયની કુવી તૂટી ગઈ. ઘરમાં પાણી ભરાતા વૃદ્ધ દંપતી કલાકો સુધી બારી પર બેસી રહ્યા. કહ્યું કે આટલું બધું ગંદુ પાણી આવશે એવી કલ્પના પણ નહોતી.
ભગવાનના મંદિરને રસોડામાં ઉપર રાખ્યું. ઘરનો તમામ સરસામાન અભરાઈએ ચઢાવવો પડ્યો.ગોબરી તળાવ છલકાયું. ખેતરોમાં પાણી ભરાયા. કોટ તૂટે તો રેલવે ટ્રેકને નુકસાન થાય તેવી આશંકા છે.
જુના કોટ વિસ્તારમાં બે જર્જરિત મકાનો તૂટી પડ્યા હતા. પાલિકાની ટીમ દ્વારા જેસીબી થી કાટમાળ ખસેડી રસ્તો ખુલ્લો કરાયો હતો.
ભારે વરસાદના પગલે શહેરના 10 km જેટલા વિસ્તારમાંથી પસાર થતી લોકમાતા લડબી નદી બે કાંઠે વહેતી થઈ હતી.
તો આ તરફ પાલનપુરના માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા જેને લઇ વેપારીઓના જીવ પડી કે બંધાયા હતા. ડેરી રોડ પરની સૂર્યનગર સોસાયટી પાછળ કોટ તોડી પાણી નિકાલ કરવો પડ્યો હતો.
જેમાં સ્થાનિક ખેડૂત સાથે નગરપાલિકાને સંઘર્ષ કરવો પડ્યો હતો. શહેરમાં આગાહી મુજબ જ મધ્યરાત્રીએ 2 વાગે જોરદાર મેઘ ગર્જના સાથે ભારે વરસાદની શરૂઆત થઈ હતી.
આદર્શ સંકુલ આગળનો ડેરી રોડ પાણીમાં ગરકાવ થયો હતો.