સુરત શહેરમાં માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના ત્રણ ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવ્યા બાદ આજે નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારી અને લાલગેટના બુટલેગર સમીર માંડવાના ગેરકાયદેસર બાંધકામ પર હથોડા ઝીંકવામાં આવ્યા હતા.
નાનપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગુજસીટોકના આરોપી અને સમગ્ર શહેરમાં માથાભારેની છાપ ધરાવતાં સજ્જુ કોઠારીના ઘરના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી તરફ લાલગેટ વિસ્તારમાં કુખ્યાત બુટલેગર સમીર માંડવાના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
બે કુખ્યાતના ગેરકાયદે દબાણ પર ડિમોલિશન કરવાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો હતો. બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર કનેકશનો અંગેનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
DGPનો અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આદેશ અમદાવાદ ખાતે વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર પોલીસ તંત્ર પર માછલાં ધોવાયા હતા. આ સ્થિતિ વચ્ચે રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં સમગ્ર રાજ્યના કુખ્યાત અસામાજીક તત્વોની યાદી તૈયાર કરીને જરૂરી પગલાં ભરવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.
વિકાસ સહાયની લાલ આંખને પગલે સફાળી જાગેલી સુરત પોલીસ દ્વારા ગત રોજ હત્યા સહિત 22થી વધુ ગુનામાં સંડોવાયેલા રાહુલ પીંપળે ઉર્ફે રાહુલ એપાર્ટમેન્ટનાં સરકારી આવાસની પાસે ઉભા કરવામાં આવેલ ત્રણ મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

કુખ્યાત સજ્જુ કોઠારીના મકાનનું ડિમોલિશન કારાયું આજે નાનપુરામાં જમરૂખ ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજીક પ્રવૃત્તિમાં સંડોવાયેલ સજ્જુ કોઠારીનાં મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલિશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનનાં દબાણ ખાતાનાં કર્મચારીઓ દ્વારા સજ્જુ કોઠારીનાં ગેરકાયદેસર મકાનનાં હિસ્સાને ધરાશાયી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં આસપાસના વિસ્તારમાં રહેતા નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી.
બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ ઝમરુખ ગલી અને આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરીને ગેરકાયદેસર વીજ કનેકશનો અંગેની તપાસ હાથ ધરી હતી.

