ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બડેરા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે.
તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહે છે.

14 મે 2025ના રોજ સોમનાથ હાઈવે પર બાદલપરા ગામમાં શીતલ પ્રોવિઝન સ્ટોરમાં આરોપીઓએ 7,700 રૂપિયાની લૂંટ કરી હતી.
આરોપીઓએ માસ્ક પહેરી દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળની ટીમે સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસથી આરોપીઓને પકડ્યા હતા.
પોલીસે રોકડ રૂપિયા 25,700, બે મોટરસાઈકલ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.90,700નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપીઓએ પાલીતાણા, અમરેલી, માધુપુર, સોમનાથ, સાળંગપુર, ગોંડલ, ચોટીલા, જસદણ, મોરબી, ગાંધીધામ અને માંડવીમાં ચોરી કરી હતી.
તેઓ દુકાનમાં ગ્રાહક બનીને જતા અને વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરતા હતા. ચોરી કરેલા રૂપિયાની વહેંચણી સરખે ભાગે કરી તેમની પત્નીઓના બેંક ખાતામાં જમા કરાવતા.

મુખ્ય આરોપી સંજયકુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઇલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે. હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 307, 351(3), 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


