Gujarat

સોરઠ પંથકમાં આગોતરૂ 1665 અને વરસાદ પછી 213410 હેકટરમાં વાવણી કાર્ય પૂર્ણ

જૂનાગઢ જિલ્લામાં વરસાદ પહેલાં માત્ર 1665 હેક્ટર જમીનમાં વાવણી થઈ હતી, જે મુખ્યત્વે એવા ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી જેમની પાસે સિંચાઈની સુવિધા અથવા પાણીની ઉપલબ્ધતા હતી.

આ ખેડૂતોએ આગોતરું વાવેતર કરીને ખેતીની શરૂઆત કરી હતી. જોકે, વરસાદની શરૂઆત થતાં વાવણીનું પ્રમાણ વધ્યુ હતુ એટલે કે, જિલ્લામાં 2,13,410 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

જૂનાગઢ જિલ્લામાં વાવેતરમાં મગફળીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું. મગફળી આ પ્રદેશનું મુખ્ય પાક હોય છે. જેની ખેતી માટે અહીંની જમીન અને આબોહવા અનુકૂળ છે. મગફળી બાદ સોયાબીન અને કપાસનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું હતું.

સોયાબીનની ખેતી ખેડૂતો માટે લાભદાયી બની રહી છે, કારણ કે તેની માંગ ખાદ્ય તેલ અને પશુઆહારના ઉત્પાદનમાં વધી રહી છે. કપાસનુ પણ વાવેતર સારા પ્રમાણમાં થાય છે.

વરસાદની સમયસર શરૂઆત અને પૂરતો વરસાદ થવાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જે ખેડૂતો પાસે સિંચાઈની સુવિધા ન હતી, તેઓએ પણ વરસાદની રાહ જોઈને વાવણી શરૂ કરી.

આ વર્ષે વાવેતરનો વિસ્તાર વધવાથી જિલ્લાના ખેતી આધારિત અર્થતંત્રને નવું બળ મળ્યું છે. આગોતરૂ વાવેતર કરેલા પાકમાં તો નાના છોડવા પણ ઉગી નિકળ્યા છે. હજુ પણ વાવણીના વાવેતરમાં વધારો થશે તેમ ખેતી અધિકારીએ જણાવેલ છે.

આમ, વરસાદના આગમન સાથે જિલ્લામાં ખેતીની ગતિવ ધિઓએ નવો રંગ પકડ્યો છે અને સારા પ્રમાણમાં વાવણી થઇ છે. સોરઠ પંથકમાં આગોતરૂ 1665 હેક્ટરમાં વાવેતર કરાતા પાક લહેરાવા લાગ્યો હતો.

મગફળી – 1,56,375 હેકટર સોયાબીન – 29,685 હેકટર કપાસ – 20,600 હેકટર મગ – 120 હેકટર શાકભાજી- 1910 હેકટર ઘાસચારો- 4720 હેકટર હાલ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતો પણ ખુશ છે જો કે હજુ આગામી 30 જૂન સુધી વરસાદનો માહોલ યથાવત જોવા મળી શકે છે.

હાલમાં ચાલી રહેલા વરસાદના રાઉન્ડ થી કુવા,બોરમાં નવા નીરની આવક થઈ છે અને તળ ઉંચા આવતા ખેડૂતોમાં રાહત પ્રસરી છે.જો કે આગોતરા પાકનું પણ વાવેતર થઈ ચૂક્યું છે. 4 8

કેટલા હેકટરમાં ક્યો પાક વવાયો

કુવા અને બોરમાં નવા નીરની આવક થઈ