આધ્યાત્મિક નવરાત્રી એટલે નવ દિવસ માટે દેવી શક્તિની ઉપાસના – આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ.
રેખા પટેલ (ડેલાવર)
આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. દુર્ગા માતા દુષ્ટતા પર વિજય અને સદગુણોના પ્રતિક છે. શુદ્ધિ માટે વ્રત, ઉપવાસ, અખંડ જ્યોત, જપ, પાઠ અને ભક્તિ દ્વારા મન-શરીરને શુદ્ધ કરવામાં આવે છે.
નવરાત્રીનાં આ દિવસો માત્ર ચણિયાચોળી પહેરી સજીધજીને ગરબાની રમઝટ બોલાવવા પુરતા જ મહત્વના નથી. આ માત્ર ઉત્સવ જ નથી, પણ અંતરાત્માના સંસ્કારને ઉજાગર કરવાનો અવસર છે.
નવરાત્રીમાં આધ્યાત્મિક શુદ્ધિ અલગ અલગ રીતે થાય છે. દેવીના નામનું સ્મરણ નકારાત્મકતા દુર કરે છે. દેવીની સ્તુતિ અને તેના ઉચ્ચારોમાં અલગ ઉર્જા હોય છે.જેમ એક દીવો માત્ર પ્રકાશ પાથરે છે તેમ હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. કુટુંબ ભાવના પછી સદભાવના, પ્રેમ, દાન અને બીજાઓને સહાય કરવું એ આપણા તહેવારોનું મુખ્ય હાર્દ છે.
દેવી શક્તિની આરાધનાનો પવિત્ર તહેવાર. ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ આનંદ, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. નવરાત્રીના દિવસોમાં ઉપવાસ, જપ, પાઠ અને ધ્યાન દ્વારા મનુષ્ય પોતાનું શરીર, મન અને આત્મા ત્રણેને શુદ્ધ કરી શકે છે. ઉપવાસ શરીરને હલકું બનાવે છે, મંત્રજપ મનને એકાગ્ર કરે છે.
દેવી ભક્તો આ દિવસોમાં આરાધના કરી આત્માને ઊંચા ચેતનાસ્થરે પહોંચાડે છે. આ નવ દિવસો માનવીને પોતાના અંદર ઝાંખી કરવાનો મોકો આપે છે – પોતાના દુર્ગુણોને ઓળખી તેને દૂર કરવાનો અને સદગુણોને જીવનમાં સ્થાપિત કરવાનો સમય છે.
નવરાત્રી દરમિયાન સેવા, દાન અને સહકાર જેવા કાર્યો કરવાથી હૃદયમાં કરુણા અને પ્રેમ વધે છે. સમાજ સાથે ભક્તિપૂર્વક ગરબા અને ડાંડીયામાં જોડાવાથી એકતા અને સમરસતા અનુભવાય છે. આ એકતા અને સકારાત્મકતા આપણું આંતરિક બળ વધારે છે.
દેવીના નવ સ્વરૂપોની ઉપાસનાથી મનુષ્ય પોતાના અંદરના નવ પ્રકારના શક્તિ-ગુણોને જગાડે છે – શૌર્ય, દયા, ક્ષમા, જ્ઞાન, ભક્તિ, શાંતિ, સમર્પણ, સદભાવ અને નિડરતા. આ ગુણો જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે.
અંતમાં, નવરાત્રી આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર દીવો પ્રગટાવવી કે ગરબા રમવામાં નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવા, દુર્ગુણોને દૂર કરવા અને સદગુણોને અપનાવવા માં છે. જો આપણે આ આચાર-વિચારને જીવનમાં ઉતારી લઈએ, તો નવરાત્રી ખરેખર આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ બની શકે છે.
ભારતમાં તો નવરાત્રીનો ઉત્સવ સૌ કોઈને જાણીતા છે, પરંતુ પરદેશમાં રહેતાં આપણે માટે આ તહેવારનું મહત્વ અલગ જ છે. અહીં નવરાત્રી માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક તહેવાર નથી, પરંતુ પરદેશમાં રહીને દેશ સાથે જોડાઈ રહેવાનો પુલ બની જાય છે.
પરદેશમાં રહેતા લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત હોય છે. એક સાથે રોજ અલગ-અલગ ભાષા, સંસ્કૃતિ અને પરિસ્થિતિઓમાં જીવતા હોય છે. નવરાત્રી માત્ર આનંદનો ઉત્સવ નથી, તે આપણામાં એકતા, ભક્તિ અને શક્તિનો સંદેશ લાવે છે.
પરદેશમાં રહેતા બધા ભારતીયો ભાષા કે પ્રાંતના ભેદ વગર એક મંચ પર ભેગા થાય છે. સૌ એકબીજા સાથે ભેગા મળી સમય પ્રમાણે નવ દિવસ રોજ કે વિકેન્ડ ગરબા મહોત્સવમાં જોડાઈને સંસ્કૃતિ માતાની આરાધના કરતા હોય છે. એ ક્ષણે અનુભવ થાય છે કે આપણે આપણા વતનથી દૂર હોવા છતાં પણ આપણું હૃદય ભારતીય છે.
આ તહેવારથી નવી પેઢીને સંસ્કાર મળે છે. પરદેશમાં જન્મેલા બાળકો, નવરાત્રી દ્વારા દેવી માતાની ભક્તિ, ભજન, નૃત્ય અને પરંપરા શીખે છે. તેઓ સમજે છે કે પોતાની ઓળખ અને મૂળ ક્યાં છે.
જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં બધેજ ગુજરાત બની જાય છે. ખાણીપીણી હોય કે પછી પહેરવેશ અને ફેસ્ટીવલ ની વાત હોય બધેજ ગુજરાતની છાપ અમીટ મળી રહે છે. ગરબાના સ્થળે પાપડીનો લોટ, સમોષા, ચાટ, ચાય કોફીના સ્ટોલ મુકાતા હોય છે.
વિકેન્ડ માં બધાજ કામને બાજુ ઉપર રાખીને ગરબાના શોખીન નવરાત્રીની તૈયારીઓમાં લાગી જાય છે. નવરાત્રીના મહિના પહેલા ઇન્ડીયાથી ખ્યાતનામ ગરબા ગાયકોને અહી આવી પહોંચે છે. પછી નવરાત્રીના નવ દિવસો માટે તેમનું બુકિંગ ગુજરાત ખાતે હોય છે. આના કારણે પરદેશમાં વહેલી નવરાત્રી શરુ થઇ જતી હોય છે.
તેમની પ્રાચીન અર્વાચીન ગરવાની ધૂન ઉપર ખેલૈયાઓ તેમનો ગરબા શોખ પૂરો કરી લેતા હોય છે.
ગીત સંગીત ઉપર ધૂમતા ગુજરાતીઓ સાથે નોન ગુજરાતીઓ પણ એ રીતે ઝૂમતા જોવા મળે છે કે કોઈ કહી શકે નહિ કે આમાં થી કેટલાકે તો ગુજરાત કે દેશ જોયો પણ નથી. અમેરિકન બોર્ન ગુજરાતી બાળકોમાં નવરાત્રી ખુબ માનીતો તહેવાર છે. ભલે ગુજરાતી બોલતાં નથી આવડતું પણ ગરબા તો ગુજરાતી શબ્દોના તાલેજ ગાવા તેમને ગમતા હોય છે.
આ ગરબામાં ચણીયા ચોળી પહેરી ભારતીય મિત્રો સાથે વિદેશી યુવતીઓ અને યુવાનો પણ ગરબા રમવા આવે છે. તેઓને તાલે ઘૂમતા જોઈને છૂપો ગર્વ પણ અનુભવાય છે.
નવરાત્રી દ્વારા આપણે ભારતની છબી દુનિયા સમક્ષ રજૂ કરીએ છીએ. નાના મોટા લગભગ દરેક શહેરોમાં ભારતીય તહેવારોની પ્રતિનિધિ સમાન નવરાત્રી ઉલ્લાસ ભેર એક બે કે ચાર દિવસ નહિ પણ નવ દિવસ સુધી ઉજવાય છે.. લોકો ભારતની સંસ્કૃતિને અનુભવે છે, પ્રશંસા કરે છે. આમ ભક્તિ અને સંગીત સાથે નવી જનરેશનને સંસ્કૃતિ સાથે જોડવાની કળા ગરબા થકી પુરી થઈ શકે છે. જય માતાજી 🙏
Whatsapp 9426555756