Gujarat

જામનગરમાં જમવા બાબતે લાકડીઓ ઉછળી

જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા શિવમ ડાઇનિંગ હોલમાં જમવાની બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ડાઇનિંગ હોલના સંચાલક પરિવારના છ સભ્યોએ એક ખાનગી કંપનીના સુપરવાઇઝર અને તેના માલિક પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, શાંતિનગર વિસ્તારના રહેવાસી અને ખાનગી કંપનીના માલિક હરદેવસિંહ બટુકસિંહ વાળાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શિવમ ડાઇનિંગ હોલના સંચાલક સુનિલભાઈ નંદા, વિશાલ નંદા, ધ્રુવ નંદા, રોહિત નંદા, નિશાબેન નંદા અને માયાબેન નંદાએ લોખંડની પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો.

ઘટના ત્યારે બની જ્યારે કંપનીના સુપરવાઇઝર સંજીવકુમાર દ્વિવેદી જમવા માટે ડાઇનિંગ હોલમાં ગયા હતા. જમવાની બાબતે સંજીવકુમાર અને ડાઇનિંગ હોલના સંચાલકો વચ્ચે તકરાર થઈ હતી. સંચાલક પરિવારે સંજીવકુમાર પર હુમલો કર્યો હતો. તેમને બચાવવા આવેલા કંપની માલિક હરદેવસિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.