Gujarat

ખેડા જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી ઠપ્પ, અરજદારોને ધક્કા

ખેડા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના સમાધાન માટે આજે માસ સીએલ પર ઉતર્યા છે. આના કારણે જિલ્લાની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, જમીન સુધારણા કચેરી અને જિલ્લા કલેક્ટર કચેરીમાં કામગીરી સંપૂર્ણપણે બંધ રહી છે.

ગુજરાત મહેસૂલ વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ સાથે રજૂઆતો કરી રહ્યા છે. અગાઉ ખેડા જિલ્લા રેવન્યુ એસોસિએશનના પ્રમુખ મિતેશભાઈ અને મહામંત્રી પ્રદીપસિંહે જિલ્લા કલેક્ટરને પત્ર આપ્યો હતો.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં નાયબ મામલતદાર સંવર્ગની છેલ્લા 8 વર્ષથી ન બનેલી પ્રવરતા યાદી, કર્મચારીઓની જિલ્લા ફેર બદલીની પડતર અરજીઓનો નિકાલ, અને કારકુનથી નાયબ મામલતદારના પ્રમોશનની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

થોડા દિવસ પહેલા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા આજે માસ સીએલનું પગલું લેવામાં આવ્યું છે. આના કારણે કચેરીઓમાં કામકાજ ઠપ થતાં અરજદારોને ધક્કા ખાવા પડ્યા છે.