Gujarat

211 ફૂટની રંગોળી બનાવી, 251 દીવા પ્રગટાવ્યા, વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળ્યું

નડિયાદ તાલુકાના વાલ્લા પ્રાથમિક શાળાએ તાજેતરની અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

શાળાના રંગોળી કલાકાર અને ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે 11 કલાકની મહેનત કરીને 211 ફૂટની વિશાળ રંગોળી બનાવી છે.

આ કલાકૃતિમાં 51 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રંગોળીમાં વિમાન દુર્ઘટનાનું વાસ્તવિક દ્રશ્ય અને શ્રદ્ધાંજલિનો સંદેશ દર્શાવવામાં આવ્યો છે.

શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલાએ દુર્ઘટનાની વિગતો સમજાવી હતી.

વિદ્યાર્થીઓએ રંગોળીની આસપાસ 251 દીવા પ્રગટાવ્યા હતા.

બે મિનિટનું મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી.

‘પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો’ એવી પ્રાર્થના સાથે વાતાવરણ ભાવવિભોર બન્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો નયનાબેન બ્રહ્મભટ્ટ, નિર્મલભાઈ પટેલ, નિલેશભાઈ ઝાપડિયા, જાગૃતિબેન સાગર, સેજલબેન પંડ્યા અને હેમાંગિનીબેન પટેલે સહયોગ આપ્યો હતો.

હિતેશકુમાર બ્રહ્મભટ્ટ નિયમિતપણે રાષ્ટ્રીય તહેવારો અને વિવિધ સામાજિક અભિયાનો માટે રંગોળી કલાનો ઉપયોગ કરે છે.