Gujarat

122 સરહદી ગામોની તાલીમ, હવાઈ હુમલાની સ્થિતિમાં બચાવ કામગીરીનો અભ્યાસ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શિલ્ડ” તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

આ તાલીમમાં વાવ અને સુઈગામ તાલુકાના 122 ગામોને આવરી લેવામાં આવ્યા.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આ તાલીમ યોજાઈ.

તેમાં પોલીસ, મહેસૂલ, આરોગ્ય, વીજળી, ફાયર, નગરપાલિકા, એન.સી.સી, વોલીન્ટીયર્સ અને હોમગાર્ડની ટીમો સામેલ થઈ.

મોકડ્રિલ દરમિયાન હવાઈ હુમલાની સ્થિતિ ઊભી કરવામાં આવી. સાયરન વાગતાં જ નાગરિકો સુરક્ષિત સ્થળે પહોંચ્યા.

આ દરમિયાન કૃત્રિમ રીતે 8 લોકોને ઘાયલ બતાવવામાં આવ્યા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરી. જેસીબી દ્વારા કાટમાળ હટાવવામાં આવ્યો.

બે વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા, જેમને સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા.

જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે આ તાલીમનો મુખ્ય હેતુ ટૂંકા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો.

તેમાં ઘાયલોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા અને બ્લડની વ્યવસ્થા કરવા સહિતની કામગીરીનો સમાવેશ થયો.

આ સિવિલ ડિફેન્સ તાલીમ યુદ્ધ કે કુદરતી આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને પ્રાથમિક સારવાર આપવા માટેની તૈયારીના ભાગરૂપે યોજવામાં આવી હતી.