ગુજરાત સરકારે સોમનાથ તીર્થક્ષેત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે વેરાવળ પાટણ વિસ્તાર વિકાસ સત્તા મંડળનું વિસર્જન કરી નવી સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ની રચના કરી છે.

નવી રચાયેલી સુડામાં વેરાવળ-પાટણ નગરપાલિકા ઉપરાંત 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં ડારી, છત્રોડા, ડાભોર, તાંતીવેલા, ભાલપરા, સવની, સોનારીયા, બાદલપરા, કાજલી, મીઠાપુર, ગોવિંદપરા અને લાટી ગામનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના નિર્ણય અનુસાર, સુડાના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર રહેશે. સાથે સરકાર નિયુક્ત પ્રતિનિધિ પણ રહેશે.
આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોનો યોગ્ય વિકાસ અને પુનઃવિકાસ કરવાનો છે.
શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરે આ અંગેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. સુડાની રચનાને લઈ હવે સોમનાથ મંદિર અને વેરાવળ-પાટણના વિકાસ માટે અલગ વિકાસ સત્તા મંડળ કાર્યરત થશે.

