Gujarat

હાલોલ પાવાગઢ રોડ પર 7.50 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે

હાલોલ પાવાગઢ રોડ પર પાવાગઢની તળેટીમાં સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 7.50 કરોડના ખર્ચે આકાર પામી રહેલ તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સની કામગીરી 50 ટકા ઉપરાંત પૂરી થઇ ચૂકી છે.

સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રોજેકટ ઉપરાંત રમતગમત વિભાગ દ્વારા ખોખો અને વોલીબોલ મેદાનની દરખાસ્ત સ્થાનિક ધારાસભ્યની ભલામણ સાથે સરકારમાં રજૂ કરતાં સરકારે દરખાસ્ત મંજૂર કરી દેતાં હવે કોમ્પ્લેક્સમાં બે ખોખો અને બે કબડ્ડી મેદાનોનું નિર્માણ થશે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ દિવાળી પહેલાં કાર્યરત થવાની સંભાવના જોવાઇ રહી છે.

સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં મલ્ટિપ્લાય વિશાળ હોલ બનશે. જેમાં ટેબલ ટેનિસ, સૂટર રેન્જ રૂમ, જિમ્નેશિયમની સુવિધાઓ હશે.

સાથે કબડ્ડીનું મેદાન, વોલીબોલ મેદાન તથા ખોખો મેદાનનું નિર્માણ થશે. 14650 એરિયામાં ટુ વ્હીલર, ફોર વ્હીલરનું પાર્કિંગ બનશે. સાથે 200 મીટર મડી રૂક (દોડરૂટ) ઇલેક્ટ્રિક કન્ટ્રોલ રૂમ સાથેનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ કાર્યરત થઇ જશે.

અને આગામી સમયમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગ પુલ અને હોસ્ટેલ અંગેની સરકારમાં દરખાસ્ત કરાશે. સ્પોર્ટ કૉપ્લેક્સ કાર્યરત થતા હાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબાના યુવાવર્ગ સહિત ફોરેસ્ટ, પોલીસ આર્મીમાં ભરતી થનાર ઉમેદવારો અહીં પ્રેક્ટિસ કરી શકશે અને તેના માટે ગોધરા સુધી લાંબું નહીં થવું પડે.

સાથે ખર્ચ અને સમયનો બચાવ થશે તેવું રમત ગમતગમત વિભાગ દ્વારા જણાવાયું છે.

જમીનના દબાણ દૂર કરવા ખૂબ જ ઘર્ષણ થયું હતું હાલોલ પાવાગઢ રોડ પર આવેલ જમીન પર તાલુકા કક્ષાના રમતગમત સંકુલના નિર્માણ માટે ફાળવણી કરેલ છે.

કોમ્પ્લેક્સની કામગીરી શરૂ કરવામાં ખૂબ અડચણોનો સામનો કરવો પડ્યો હતો. જમીન પર 60 વર્ષ જૂના દબાણો હતા.

જે દૂર કરવાની કામગીરીમાં ખૂબ ઘર્ષણ થયું હતું. પણ સરકાર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર સહિત હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહનો ખૂબ સાથ સહકાર મળતાં આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ કાર્યરત થતાં અહીંથી તાલીમ પામેલા વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઇ કારકિર્દીનું નિર્માણ કરશે. – પ્રતાપ પાસાયા, જિલ્લા રમત વિકાસ અધિકારી, પંચમહાલ