Gujarat

ઠાકોર સમાજના પૂજારીઓએ શરીરે રસ્સા બાંધીને 425 મીટર ઊંચે મધપૂડા હટાવ્યા

અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર દર વર્ષની જેમ આ વર્ષે પણ મધપૂડા અને ભમરાઓની સમસ્યા સર્જાઈ હતી. 11 એપ્રિલના રોજ લગભગ 200 ભમરાઓએ 25થી વધુ યાત્રીઓને કરડ્યા હતા. આ ઘટના બાદ દેવસ્થાન ટ્રસ્ટે ત્રણ દિવસ માટે ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ અને રોપવે બંધ રાખ્યા હતા.

16 એપ્રિલના રોજ ઠાકોર સમાજના પૂજારીઓએ ભમરા ઉડાડવાની કામગીરી હાથ ધરી હતી. સલામતીના ભાગરૂપે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડી તૈનાત રાખવામાં આવી હતી.

અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર દર ઉનાળામાં મધપૂડાની સમસ્યા સર્જાય છે. 11 એપ્રિલે ઘાયલ થયેલા મહેસાણા અને અમદાવાદના ભક્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દાંતા સ્ટેટના સમયથી ઠાકોર સમાજના પૂજારીઓ આ જોખમી કામગીરી કરે છે. તેઓ વાંસના લાકડા અને દોરીઓથી નિસરણી બનાવે છે. શરીરે રસ્સા બાંધીને જમીનથી 425 મીટર ઊંચે મધપૂડા હટાવવાનું કામ કરે છે. આજે લીમડાના પાંદડાનો ધુમાડો કરીને અને માતાજીના દર્શન કર્યા બાદ પૂજારીઓએ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.