Gujarat

પાલડીમાં થારના ચાલકે અકસ્માત સર્જ્યો, ટોળાએ કારમાં તોડફોડ કરી

એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારતા મહિલાને ઈજા

અમદાવાદના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે ૨૦ નવેમ્બરની મોડીરાત્રે જાનમાં જતી થાર કારના ચાલકે અકસ્માત સર્જતા માહોલ તંગદિલી ભર્યો બન્યો હતો. કારચાલકે એક્ટિવા પર જતાં દંપતની ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતાં. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતા ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ડીસીપી ઝોન ૭ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે ટ્રાફિક અને પાલડી પોલીસ દ્વારા અકસ્માત અને ટોળા દ્વારા કરવામાં આવેલી તોડફોડને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે રાત્રે ૧૧:૧૫ વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો હતો કે પાલડી વિશ્વ કુંજ ચાર રસ્તા પાસે કેટલાક લઘુમતી સમાજના યુવકો દ્વારા અકસ્માત કર્યો છે અને ટોળા ભેગા થયા છે. હું અને મારો પુત્ર ત્યાં પહોંચ્યા હતા, ત્યારે થાર ગાડી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, જેને લોકોએ પકડી રાખ્યો હતો. આ લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ૪૦થી ૫૦ બાળક અને બે થાર ગાડી લઈને ચિચિયારીઓ કરતુ ટોળું નીકળ્યું હતું. એક્ટિવા ઉપર જતા દંપતીને ટક્કર મારી હતી, જેમાં દક્ષાબેન શુક્લ નામના મહિલાને ઈજા થઈ હતી. સ્થાનિક છોકરાઓ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા, જેથી તેમના ઉપર આ લોકો દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. તેઓ સામસામે આવી ગયા હતા, જેથી તાત્કાલિક આ મામલે ડીસીપીને જાણ કરવામાં આવી હતી.

ડીસીપી ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને અકસ્માત સર્જનાર યુવકોને પાલડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. હાલ પોલીસ દ્વારા બંનેને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ શહેરના પાલડી વિસ્તારમાં વિશ્વકુંજ ચાર રસ્તા પાસે એક્ટિવા ઉપર દંપતી જઈ રહ્યું હતું, ત્યારે બે થાર ગાડી અને ટુ-વ્હીલરો સાથે લઘુમતી સમાજના યુવકો મિરઝાપુરથી દાણીલીમડા જાન લઈને જઈ રહ્યા હતાં. તે દરમિયાનમાં એક થાર ગાડીની આગળના ભાગે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ગાડીની ટક્કર વાગી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. આ અકસ્માતની ઘટના જાેતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા.

અકસ્માત થવાના પગલે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતાં, જ્યારે અકસ્માત સર્જનાર યુવકને પકડી રાખવામાં આવ્યા હતા. આમ અમને લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતાં. ઘટનાની જાણ ભાજપના ધારાસભ્ય અમિત શાહને કરવામાં આવતા તેઓ પુત્ર સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ડીસીપીના જાણ કરવામાં આવતા ઝોન ૭ ડીસીપી પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

જાેકે પોલીસ આવે તે પહેલા ઉશ્કેરાયેલા ટોળા દ્વારા થાર ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે અકસ્માત સર્જનાર વિરુદ્ધ એન ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પાલડી પોલીસમાં થાર ગાડીના ચાલક દ્વારા એક્ટિવા ચાલક અને ૧૦થી ૧૫ લોકો વિરુદ્ધ માર મારવાની અને ગાડીમાં તોડફોડ કરવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.