ડાકોરના મહુધા ટી પોઇન્ટ થી લાડવેલનાલાભપુરા સુધીનો 10 કિમી રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ચોમાસા અગાઉ રાજયના તમામ રસ્તા રીપેરીંગ કરવાની ખાતરી આપી હતી જ્યારે આ હૈયાધારણા માર્ગ અને મકાન વિભાગ ધોળીને પી ગયુ હોવાનો ઘાટ સર્જાયો છે.
આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યા મુજબ ડાકોરના મહુધા ટી પોઇન્ટ થી લાડવેલના લાભપૂરા સુધીનો 10 કિમીનો રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાયો છે.
આ રસ્તા પર અગાઉ ખાડા પડી ગયા હતા જેના કારણે રસ્તા પરથી પસાર થતા નાના મોટા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં જિલ્લામાં વરસેલા વરસાદના કારણે આ રસ્તા પર વધુ ખાડા પડી જતા નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે.
આ સ્ટેટ હાઇવે નડિયાદ-કપડવંજને જોડતો મુખ્ય રસ્તો હોવાના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ રસ્તા પરથી અવરજવર કરે છે.
આ રસ્તા પરનો દસ કિમી રસ્તો પસાર કરતા વાહન ચાલકોને આશરે ત્રીસ મિનિટ જેટલો સમયનો બગાડ થાય છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.
હાલ ચોમાસાની સિઝનમાં રસ્તા પર પડેલા ખાડા મોટો અકસ્માત સર્જાય તે અગાઉ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી વાહન ચાલકો અને રાહદારીઓએ માંગ ઉઠી છે.
ચોમાસા બાદ પેચ વર્ક કરવામાં આવશે ચોમાસા અગાઉ પેચ વર્ક કર્યું હતું પરંતુ તાજેતરમાં વરસાદ પડતા ખાડા પડયા હશે.હાલ તો ચોમાસાની સિઝન ચાલુ થઇ છે માટે ચોમાસા બાદ પેચ વર્ક કરી રસ્તો રીપેર કરવામાં આવશે. > મહેન્દ્ર ઝાલા ડી.ઇ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ ડાકોર

