Gujarat

પત્નીને લઈને ભાગી જવાના મામલે આરોપીએ બે લોકો પર છરા વડે હુમલો કર્યો, બંને ગંભીર

ઠાસરા તાલુકાના કાલસર ગામે પત્નીને લઈને ભાગી જવાના મામલે એક શખ્સે બે લોકો પર છરા વડે હુમલો કર્યો છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાલસર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા સત્તારખાન પઠાણનો પુત્ર આરીફમિયા ગોહિલની પત્નીને લઈને ભાગી ગયો હતો.

આ કારણે આરીફમિયાએ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. આ બાબતે આરીફમિયા સત્તારખાનના પરિવાર સાથે વારંવાર ઝઘડો કરતો હતો.

ગઈકાલે રાત્રે આરીફમિયાએ સત્તારખાન અને તેમના પુત્ર સાથે ઝઘડો કર્યો. ઉશ્કેરાયેલા આરીફમિયાએ ‘તમને જીવતા નહીં છોડું’ એવી ધમકી આપી હતી.

ત્યારબાદ તે ઘરમાંથી છરો લાવી સત્તારખાનના પુત્ર સુફિયાનને ગરદન પર હુમલો કર્યો. વચ્ચે છોડાવવા પડેલા ફીરોજમિયાને પણ પેટના ભાગે છરો માર્યો હતો.

બંને ઘાયલોને પ્રથમ ડાકોરની હોસ્પિટલમાં લઈ જવાયા. ત્યાંથી એક ઈજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને બીજાને કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈલ્યાસમિયા મલેકે ડાકોર પોલીસ મથકે આરીફમિયા ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.