ભુજ તાલુકાના લોરીયા ગામની સીમ વિસ્તારમાં ખેતર પચાવી પાડવાના ઇરાદે હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજે પકડી પાડ્યો છે. આ કેસમાં ફરિયાદીનું ખેતર લોરીયા ગામની સીમમાં આવેલું છે. આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજા આ ખેતર પચાવી પાડવા માંગતો હતો. આરોપીએ ફરિયાદીના ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડી નાખી આશરે રૂપિયા 5 લાખ જેટલું નુકસાન પહોંચાડ્યું હતું.
આરોપીએ ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને સાક્ષીઓને ખેતરમાં પ્રવેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધાયો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે આ કેસમાં તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે આરોપી જગમાલજી ઉર્ફે જગદીશસિંહ ચમાજી જાડેજાને લોરીયા, ભુજથી પકડી લેવામાં આવ્યો છે.