વેરાવળ ભીડીયા દરિયા કાંઠે મરઘાઈ માતાના મંદિર પાસે એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.

સમગ્ર ઘટના ની માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે જણાવ્યું હતું કે, ઘટના 27 મે 2025ની રાત્રે 9 વાગ્યે બની હતી.
મહેશભાઈ તેમના મિત્રો સાથે દરિયા કિનારે માછલી પકડવાની ગળીના ભાગ પાડી રહ્યા હતા.
આ દરમિયાન તેમનો મિત્ર વિપુલ અનિલ ઠાકોર ત્યાં આવ્યો અને ચંદ્રકાંતને કંઠી પહેરાવી. વિપુલે કહ્યું કે આ કંઠી તેના માટે બગદાણાથી લાવ્યો છે.

મહેશે મજાકમાં કહ્યું કે આવા માણસોની વસ્તુ ન લેવાય. આ વાત પર બંને વચ્ચે ગાળાગાળી અને ઝપાઝપી થઈ.
આ ઘટના બાદ અડધા કલાકે વિપુલે ફરી મહેશ સાથે ઝઘડો કર્યો. આ વખતે તેણે મહેશને છરીના ઘા મારી હત્યા કરી નાખી.

વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો. જુનાગઢ રેન્જ IGP નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ પોલીસે કાર્યવાહી શરૂ કરી. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડે બાતમીના આધારે આરોપી વિપુલ ઠાકોરને ભાલકા વિસ્તારમાંથી ઝડપી લીધો.

