કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં નવરાત્રી પૂર્વેજ યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે.
છેલ્લા છ સાત વર્ષથી શ્રાધ્ધ પક્ષના અંતિમ બે ત્રણ દિવસ અગાઉથી અહીં ભાવિકો ઉમટે છે. અમાસના રવિવાર હોવાથી અહીં મોટી સંખ્યામાં યાત્રિકો આવશે તેવું અનુમાન છે.
કચ્છના પ્રવેશ દ્વાર સુરજબારીથી મોટી સંખ્યામાં આવતા યાત્રિકો તેમજ સેવા કેમ્પોને લઈ હાઇવે માર્ગો પણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યા છે.
માતાના મઢમાં ગુરૂવારે સવારથી ભાવિકોની લાંબી કતાર લાગી હતી અને અંદાજે પંદર હજાર કરતાં પણ વધુ માઇભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવ્યું હતું. માતાના મઢ તરફ પગપાળા યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલું છે.