ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવકો ડૂબ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો.
જોકે સેવાલીયા પોલીસે તપાસ કરતા ત્રણ નહીં પણ ટીંબાના મુવાડ ગામના બે યુવકો ડુબ્યા હતા.
જે પૈકી એકનો મૃતદેહ ગતરોજ મળી આવ્યો હતો. જ્યારે બીજો યુવાનની કોઈ ભાળ મળી આવી નહોતી.
ઘટનાના 24 કલાક જેટલો સમય વિત્યો છતાં બીજા ડુબેલા યુવાનનો કોઈ પત્તો નહીં લાગતા કલેક્ટરની ડિઝાસ્ટરની ટીમની મદદ લેવામાં આવી છે.
ખેડા જિલ્લાનાં ગળતેશ્વર તાલુકા ટીંબાના મુવાડ પાસે ગતરોજ મતદાનના દિવસે ત્રણ યુવકો કેનાલના પાણીમાં ડુબી ગયા હોવાની માહિતી સેવાલીયા પોલીસને મળી હતી.
પોલીસે બનાવ સ્થળે આવી તપાસ કરતા ત્રણ નહીં પરંતુ બે યુવકો પરમાર અક્ષય મણીલાલ (ઉ.વ.18) અને પરમાર અમીત વિનુભાઈ (ઉ.વ.22) બંને રહે. ટીંબાના મુવાડા ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી.
જોકે, આ પૈકી પરમાર અક્ષયનો મૃતદેહ કેનાલના પાણીમાંથી નજીકથી મળી આવ્યો હતો. જ્યારે અન્ય પરમાર અમીતનો કોઈ ભાળ મળી નહોતી.
બીજા દિવસે સુધી કોઈ પત્તો નહી લાગતા તંત્ર દ્વારા તરવૈયાઓની મદદથી શોધખોળ આદરવામાં આવી રહી છે.

આ બનાવ સંદર્ભે સેવાલીયા પોલીસ મથકના પીઆઈ એ.આર.ઝાલાએ જણાવ્યું કે, ગતરોજ બનેલી આ ઘટનામાં સોમવાર સવાર સુધી લાપતા બનેલા યુવાનનો કોઈ પત્તો મળ્યો નથી. પાણીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કલેકટરની ડિઝાસ્ટર ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલ શોધખોળની પ્રક્રિયા ચાલી રહી છે.
