કરોડો રૂપિયાના ફ્લેટ બતાવી અને ફ્લેટ બુકિંગ કરી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર બિલ્ડર સૌરીન પંચાલ વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવનાર વૃદ્ધને પાલડી ખાતે બિલ્ડરે 1.55 કરોડનાં ફ્લેટ પેટે 1.49 કરોડ લઈને રજીસ્ટર બાનાખત કરી આપ્યો હતો, પરંતુ દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કરવામાં આવતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં એપ્ટસ ઈન્ફ્રા પ્રોજેક્ટ LLPના સૌરીન પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે આવેલા લલ્લુભાઈ પાર્કમાં રહેતા અને વટવા જીઆઇડીસીમાં ફેક્ટરી ધરાવનાર સુભાષભાઈ મહેતાને વર્ષ 2019માં મકાન લેવાનું હોવાથી તેઓ આંબાવાડી વિસ્તારમાં એક ફ્લેટની સ્કીમ જોવા માટે ગયા હતા. ફ્લેટની સ્કીમ 4 બીએચકે હતી, પરંતુ સુભાષભાઈને 3 બીએચકેનો ફ્લેટ લેવાનો હતો જેના કારણે તેઓ નેહરુ નગર ખાતે એલ કોલોનીમાં આવેલી એપ્ટસ ઈન્ફ્રા પ્રોજેક્ટ LLPની ઓફિસે ગયા હતા જ્યાં તેઓ સૌરીન પંચાલને મળ્યા હતા.
જ્યાં તેઓને જણાવ્યું હતું કે, શાનો એલિમેન્ટ નામની સ્કીમ બનાવી રહ્યા છે જેમાં એક ફ્લેટની કિંમત 1.55 કરોડ રૂપિયા છે. બીજા ખર્ચા અલગથી થશે
સુભાષભાઈને 701 નંબરનો ફ્લેટ પસંદ આવતા તેઓએ 15 લાખનો ચેક આપ્યો હતો. ત્યાર બાદ ટુકડે ટુકડે કુલ 1.49 કરોડ રૂપિયા બેન્કમાંથી એપ્ટસ ઈન્ફ્રા પ્રોજેક્ટ LLPના એકાઉન્ટમાં ચુકવ્યા હતા. સૌરીને સુભાષભાઈના પત્ની અને તેમના દીકરાના નામે બાનાખત કરી આપ્યો હતો. જમીન માલિકો એનોસી આપશે ત્યાર બાદ દસ્તાવેજ કરી આપશે જે કરાર બતાવ્યો હતો.
લેટની સ્કીમ બનીને તૈયાર થઈ ગઈ હોવા છતાં પણ સૌરીન પંચાલે દસ્તાવેજ કરી આપ્યો નહોતો જેથી છેતરપિંડી થઈ હોવાના પગલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સૌરીન પંચાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.