Gujarat

વેપાર-ઉદ્યોગ, રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે સહયોગની ચર્ચા; લાખોટા મ્યુઝિયમની મુલાકાત લીધી

ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી અને તેમની ટીમે ગઈકાલે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર અને મુંબઈ સ્થિત વિદેશી બાબતોના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્મા પણ જોડાયા હતા.

પ્રતિનિધિમંડળે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયની મુલાકાત લીધી હતી. બંને દેશો વચ્ચે વેપાર, ઉદ્યોગ, રમતગમત, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી. ગુજરાતમાં યોજાનાર આગામી ઓલમ્પિક અંગે પણ વિશેષ વાતચીત કરવામાં આવી હતી.

ધારાસભ્ય અકબરીએ પ્રતિનિધિમંડળને જામનગરના ઐતિહાસિક સ્થળો રણમલ લેક અને લાખોટા મ્યુઝિયમની મુલાકાત કરાવી હતી. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિત સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પોલ મર્ફી પશ્ચિમ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યોના કોન્સ્યુલ જનરલ છે. પ્રતિનિધિમંડળે જામનગરની મુલાકાતથી પ્રભાવિત થઈ ધારાસભ્ય અકબરી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. મુલાકાતના અંતે તેમને જામનગરની પારંપરિક ભેટ સોગાદો આપવામાં આવી હતી.