કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં કોબ્રાના દંશથી સિંહણ સમૃદ્ધિના મોત બાદ ઝૂ સત્તાધીશોએ સલામતીનાં પગલાં માટે કાર્યવાહી હાથ ધરી છે. વન્ય પ્રાણીને રાત્રે પાંજરાના ખુલ્લા વિસ્તાર (પેડોક એરિયા)માંથી ખસેડી રાતવાસો કરાવવા શેલ્ટર (બંધ ઓરડા)માં લવાશે.જ્યાં સેફ્ટી શીટ ફિટ કરાશે.
કમાટીબાગ ઝૂના ડાયરેક્ટર પ્રત્યુષ પાટણકરે કહ્યું કે, ઝૂના પાંજરામાં કોઇ ફેરફાર નહીં કરાય. કારણ કે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીનું ઝૂમાં વન્ય માહોલનું સૂચન છે. ઉપરાંત આવા બનાવો ઝૂમાં પણ બનતા રહે છે. સાપ કે અન્ય વન્ય સરિસૃપોને પાંજરામાં આવતાં રોકવા અશક્ય છે. બીજી તરફ સલામતીના ભાગરૂપે રાત પડે તે અગાઉ પ્રાણીઓને તેમના ઓરડા એટલે કે શેલ્ટરમાં લવાશે અને ત્યાં સલામતી માટે જાળી મૂકાશે. જેથી સાપ જેવા સરિસૃપો પ્રવેશી ન શકે.
2022માં નંદનકાનન ઝૂમાં પણ આવો બનાવ બન્યો હતો ઓડિશાના નંદનકાનન પ્રાણી સંગ્રહાલયમાં પણ સર્પદંશથી ગંગા નામના સિહનું મોત થયું હતું. મે-2022માં બનાવ બન્યો હતો. ઝૂ સત્તાધીશોએ 6 દિવસ સારવાર કરી, પણ ગંગાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ઘટનાના વીડિયો ઉપલબ્ધ ન હોવાથી બ્લડ ટેસ્ટથી માંડી બધી કાર્યવાહી કરાઈ હતી.

