તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત યુવા પાંખ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ (પ્રાગટ્ય દિવસ)ની ઉજવણી કરાઈ. જેમાં મંગળવારે સવારે 9:15 વાગ્યે પરશુરામ ચોક, મહાદેવ ગેટ, આરટીઓ રાજગોર સમાજવાડી સ્થિત પરશુરામ મંદિર અને માધાપરના ઔદિચ્ય બ્રહ્મ સમાજવાડી પાસે પરશુરામ મંદિરે હવન કરવામાં આવ્યો. સાંજે 6 વાગ્યે મંત્રોચ્ચાર તથા દેશભક્તિ ગીતો સાથે પરશુરામ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.
પરશુરામ ચોક થી ડોક્ટર હેડગેવાર માર્ગ, પેટ્રોલ પંપ, રાજન ફર્નિચર, ઇન્દિરાબાઈ પાર્ક, વીડી હાઇસ્કુલ, શ્રી પરશુરામ કાર્યાલય, જ્યુબિલી ગ્રાઉન્ડ થઈને ટીન સિટી મેદાન ખાતે સંપન્ન થઈ હતી.
બ્રહ્મ મહિલાઓ દ્વારા કરવામાં આવેલો તલવાર રાસ લોકોનું આકર્ષણ બન્યું હતું. રાત્રે 9 વાગ્યે ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અગાઉ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાયા સાથે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા શોભાયાત્રામાં બાઇક રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ પ્રમુખ અનિક જોષી તેમજ સમસ્ત કારોબારી સભ્યો, ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજેશ ગોર, તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી હીનાબેન જેઠી તેમજ સમસ્ત કારોબારી સભ્યો અને દાતાઓના સહકારથી કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા.

