નડિયાદના પ્રગતિનગર વિસ્તારમાં 900 જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક આવાસો બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટ માટે રૂપિયા 133 કરોડની રકમ મંજૂર કરી છે.

સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈની સતત રજૂઆતો બાદ આ પ્રોજેક્ટને ‘ખાસ કેસ’ તરીકે મંજૂરી મળી છે.
આજે પ્રગતિનગરમાં ધારાસભ્ય દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, પ્રગતિનગર હાઉસિંગના પ્રમુખ રાઇમલ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

2019માં પ્રગતિનગરના કેટલાક મકાનો ધ્વસ્ત થયા હતા. ત્યારથી 900 પરિવારો મકાનો વિના રહેતા હતા.
છેલ્લા છ વર્ષથી આ પરિવારો નવા ઘરની રાહ જોઈ રહ્યા હતા.
અગાઉ 10થી 12 વખત ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ કામગીરી શરૂ થઈ શકી ન હતી.

ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે પ્રગતિનગરમાં 18 બ્લોકમાં 900 આધુનિક સુવિધાસભર મકાનો બનશે.
પ્રગતિનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ રાઈમલસિંહ દરબારે કહ્યું કે છેલ્લા છ વર્ષથી તેઓ આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આ નિર્ણયથી સ્થાનિક રહીશોના જીવનધોરણમાં સુધારો થશે.

