નડિયાદ મહાનગરપાલિકાએ ચોમાસાની સીઝન પહેલાં વરસાદી કાંસની સફાઈ કામગીરી શરૂ કરી છે.
એસ.એન.વાણિયા એજન્સીને વરસાદી કાંસની સફાઈનું ટેન્ડર મળ્યું છે. એજન્સીએ ચકલાસી ભાગોળ પાસે ફતેપુરા રોડ પરની વરસાદી કાંસની સફાઈ શરૂ કરી છે.

વહેલી સવારથી કાંસમાંથી વેલ, કચરો અને કાદવ દૂર કરવામાં આવ્યો છે. પાણીના યોગ્ય નિકાલ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
મનપાના એન્જીનિયર અને સુપરવાઈઝર સ્થળ પર હાજર રહ્યા હતા. મનપા કમિશનર જી.એચ. સોલંકીએ સ્થળની મુલાકાત લઈને જરૂરી સૂચનાઓ આપી હતી.

આગામી જૂન મહિનાના અંતમાં ચોમાસું બેસવાની સંભાવના છે. એજન્સી નડિયાદની તમામ વરસાદી કાંસની લાઈનની સફાઈ કરશે.
વાર્ષિક ટેન્ડર હોવાથી પ્રથમ તબક્કામાં તમામ વરસાદી લાઈનની સફાઈ કરાશે. ત્યારબાદ આગામી વર્ષ સુધી એજન્સી તેની જાળવણીની જવાબદારી સંભાળશે.
