Gujarat

શિક્ષણ વિભાગનો આદેશ: નવા સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવું પડશે

મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે ફાયર સેફટીના અભાવને લઈને મોટું પગલું લીધું છે. વિભાગે 38 ખાનગી પ્રાથમિક શાળાઓને નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ આપ્યો છે. વારંવાર નોટિસ અને સૂચનાઓ છતાં આ શાળાઓએ ફાયર સેફટીના સાધનો લગાવ્યા નથી. જેમાં મહેસાણાની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ શાળા, કે.કે.પ્રાઇમરી, વિવેકાનંદ પ્રાઇમરી અને સિદ્ધાર્થ પ્રાઇમરી જેવી જૂની શાળાઓનો સમાવેશ થાય છે.

જિલ્લા મુજબ શાળાઓની સંખ્યા જોઈએ તો મહેસાણામાં 19, કડીમાં 8, વિજાપુરમાં 6, ખેરાલુમાં 2 તથા ઊંઝા, વડનગર અને સતલાસણામાં એક-એક શાળા સામેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં આ શાળાઓ ફાયર સેફટીના સાધનો નહીં લગાવે તો તેમને બંધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. આ શાળાઓએ હવે નવા સત્રમાં ઓનલાઈન શિક્ષણ આપવું પડશે. ઓફલાઈન શિક્ષણ માટે ફાયર સેફટીના સાધનો લગાવવા ફરજિયાત છે.