પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે ફોરમની સ્થાપના કરવામાં આવશેઃ કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, બજેટ ૨૦૨૫-૨૬નો ઉદ્દેશ છ ક્ષેત્રોમાં પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવાનો છે, જે આગામી પાંચ વર્ષ દરમિયાન આપણી વૃદ્ધિની સંભવિતતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.
આમાંનું એક ક્ષેત્ર નાણાકીય ક્ષેત્ર છે, જેમાં વીમા, પેન્શન, દ્વિપક્ષીય રોકાણ સંધિઓ (બીઆઇટી) વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
વીમા ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)
શ્રીમતી ર્નિમલા સીતારામને માહિતી આપી હતી કે વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા ૭૪ થી વધારીને ૧૦૦ ટકા કરવામાં આવશે. આ ઉન્નત મર્યાદા તે કંપનીઓ માટે ઉપલબ્ધ રહેશે જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે. વિદેશી રોકાણ સાથે સંકળાયેલી વર્તમાન મર્યાદાઓ અને નિયંત્રણોની સમીક્ષા અને સરળીકરણ કરવામાં આવશે.
પેન્શન સેક્ટર
પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે એક ફોરમની સ્થાપના કરવામાં આવશે, એમ કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું.
કેવાયસી સરળીકરણ
શ્રીમતી ર્નિમલા સીતારામને જણાવ્યું હતું કે કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા અંગે અગાઉની જાહેરાતને અમલમાં મુકવા માટે વર્ષ ૨૦૨૫માં સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રીને પુનર્જિવિત કરવામાં આવશે. સમયાંતરે અપડેટ કરવા માટે સુવ્યવસ્થિત સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે.
કંપનીઓનું મર્જર
કેન્દ્રીય નાણાં મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કંપનીના મર્જરની ઝડપથી મંજૂરી માટેની આવશ્યકતાઓ અને પ્રક્રિયાઓને તર્કસંગત બનાવવામાં આવશે. ફાસ્ટ-ટ્રેક મર્જરનો અવકાશ પણ વિસ્તૃત કરવામાં આવશે અને આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.
દ્વિપક્ષીય રોકાણ સંધિઓ
કેન્દ્રીય નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સતત વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા અને ‘ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા’ની ભાવના સાથે વર્તમાન મોડલ બીઆઇટીનું પુનરૂદ્ધાર કરી અને તેને રોકાણકારોને વધારે અનુકૂળ બનાવવામાં આવશે.