Gujarat

9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મહોત્સવ, લાખો ભક્તોની ભીડ ઉમટશે

અંબાજી ખાતે આગામી 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનેરો લાભ મળશે.

મહોત્સવની તૈયારીઓની સમીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જેમાં 500થી વધુ બસોનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહોત્સવની સફળ આયોજન માટે અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે, જે તમામ વ્યવસ્થાઓનું સંચાલન કરશે. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આ દિવ્ય મહોત્સવમાં ભાગ લેવા આવશે તેવી અપેક્ષા છે.