Gujarat

અધૂરા માસે જન્મેલા 1.5 કિલો વજનના બાળક અને ગંભીર બીમાર માતાને બચાવી લેવાયા

પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબોએ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. રાજસ્થાનના સિરોહી આબુરોડની એક ગંભીર બીમાર ગર્ભવતી મહિલાને અધૂરા માસે સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવ્યા છે.

મહિલાને વહેલી સવારે પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રથમ આબુરોડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ. બીજા દિવસે પેટના દુખાવાને કારણે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવી.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોશીની દેખરેખ હેઠળ, ગાયનેક અને મેડિસિન વિભાગના નિષ્ણાત તબીબોની ટીમે તપાસ કરતાં મહિલામાં પીળિયો, લોહીની ઉણપ અને હૃદયમાં ઇન્ફેક્શન જેવી ગંભીર સમસ્યાઓ જોવા મળી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી તબીબોએ તાત્કાલિક નોર્મલ ડિલિવરી કરાવી, જેમાં 1.5 કિલો વજનના તંદુરસ્ત બાળકનો જન્મ થયો.

નવજાત શિશુને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું, જ્યારે માતાને ગર્ભાશયમાંથી થતા રક્તસ્ત્રાવને બલૂન દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો. 13 દિવસની સઘન સારવાર બાદ માતા અને બાળક બંને સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચવા પડે તેવી સારવાર અહીં નિ:શુલ્ક આપવામાં આવી, જેના માટે પરિવારે તબીબો અને નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો છે.