Gujarat

રાજ્યપાલ દેવવ્રતજીના હસ્તે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ સંપન્ન

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ ગુરુકુળ ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત અને રાપર મંદિર દ્વારા સંચાલિત થશે.

કાર્યક્રમમાં પ્રવચન આપતા રાજ્યપાલે જણાવ્યું કે આ વૈદિક ગુરુકુળ અન્ય ગુરુકુળોથી વિશિષ્ટ હશે, જે ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર કરશે. ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીએ આ પ્રોજેક્ટને સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું.

સમારોહમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કલેક્ટર અમિત અરોરા, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો, સાધુઓ, હરિભક્તો અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન શાસ્ત્રી સ્વામી અચ્છપ્રિયદાસજી, વ્યવસ્થાપક શાસ્ત્રી સ્વામી અક્ષરમુનિદાસ અને રામપ્રિય દાસે કર્યું હતું.