સાવ આટલું થવાયું રુક્ષ કેમ?
સગવડોની ઝંઝટમાં હટ્યું લક્ષ કેમ?
સાવ નાનકડી ચકલી આજે પૂછે એમ;
આશરો હતો અમારો એ વૃક્ષ થયું ગુમ કેમ?
—“પાંધી સર”
અરે ભાઈ નિર્દોષ પક્ષી અને ભુલકાઓને વ્હાલી ચકલીનું ચિં. ચિં.. સાંભળવું હશે તો લુપ્ત થતી આ ચકલીઓની સાર સંભાળ રાખવી પડશે.
એક હતો ચકો અને એક હતી ચકી.. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો.. બે યે બનાવી ખીચડી.. આવી વાર્તા પણ આપના સંતાનોને સંભળાવવી હશે તો પણ લુપ્ત થતી ચકલીઓને બચાવવી જ પડશે
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
છેલ્લા ૧૪ વર્ષથી, ટ્રસ્ટ નિયમિત રીતે ૩૬૫ દિવસ ચકલીઘર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરે છે. આ વર્ષે, ટ્રસ્ટે ૩૦૦૦ ચકલીઘરનું વિતરણ ચાલુ કરેલ છે, જેથી ચકલીઓને કાયમી નિવાસ મળી શકે અને તેમની વંશવૃદ્ધિ થાય. આ ઉપરાંત, ટ્રસ્ટ દ્વારા જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી આવી રહી છે. ટ્રસ્ટના સભ્યોએ લોકોને ચકલીઘર લગાવવા માટે અપીલ કરી હતી. ચકલીઘરનું વિના મૂલ્યે વિતરણ ટ્રસ્ટની ઓફિસ, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, એરટેલ સ્ટોર નીલકંઠ શોપિંગ સેન્ટર હોમગાર્ડ કચેરી સામે, મહુવા રોડ, સાવરકુંડલા ખાતેથી કરવામાં આવી રહ્યું છે. તો સૌ સાથે મળીને ચકલી જેવા નાના પક્ષીઓ માટે એક ઘર આપીએ.
વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓ ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આપણે સૌએ આ ટ્રસ્ટને સહકાર આપીને ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ.
બિપીન પાંધી સાવરકુંડલા

