રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારે પણ મેઘમહેર યથાવત રહી હતી. શુક્રવારે સાંજ સુધીમાં રાજ્યના 26 જિલ્લાના 148 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7.48 ઇંચ તો ઉત્તર ગુજરાતના ઇડરમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યભરમાં શુક્રવારે સરેરાશ 13.74 મીમી વરસાદ નોંધાયો હતો. આ સાથે રાજ્યભરમાં સિઝનનો કુલ વરસાદ 87.28 ટકા થઈ ચૂક્યો છે.
જેમાં સૌથી વધુ 91.82 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. દરમિયાન શુક્રવારે ભારે વરસાદના પગલે હિંમતનગરના માનપુર(બાંખોર)ની સીમમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં પાણીમાં ફસાયેલ ભેંસોને બહાર કાઢવા જવાના પ્રયાસ દરમિયાન ગીતાબેન દશરથસિંહ મકવાણા (40) પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું. ભિલોડા નજીક પિતા-પુત્ર પુરમાં તણાયા હતા. લોકોએ પુત્રને બચાવ્યો પણ પિતાનું મોત થયું હતું.