જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને સેશન્સ કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. આ કેસમાં આરોપી જયેશ ભુપતભાઈ ઠાકરને એક વર્ષની જેલ અને ₹6,45,000 નો દંડ ભરવાનો આદેશ અપાયો છે.
મોરબીમાં મહેશ હોટલ-ઠાકર લોજનો ધંધો કરતા જયેશ ઠાકરે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા માટે તેમણે આપેલો ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો.
આથી, સોસાયટી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ જયેશ ઠાકર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની જેલ અને ચેકની રકમ જેટલો દંડ ફટકાર્યો હતો.
આ હુકમથી નારાજ થઈ જયેશ ઠાકરે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ટ્રાયલ કોર્ટના રેકોર્ડ અને કેસની હકીકતોને ધ્યાનમાં લઈને ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો અને અપીલ નામંજૂર કરી હતી.

