Gujarat

એક વિદ્યાર્થિનીની ચાલુ પેપરે તબિયત બગડતા સારવાર બાદ ફરી પેપર અપાવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ 10મા દિવસે ધો.10નું હિન્દી, સંસ્કૃત ધો.12 સામાન્ય પ્રવાહના હિન્દી વિષયની પરીક્ષા લેવાઇ હતી. જેના કુલ 23023 પૈકી 22529 વિદ્યાર્થી હાજર અને 494 ગેરહાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરની આઇપીએસ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીની તબીયત બગડી હતી.

આ અંગે એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર કે.એન. બારોટે જણાવ્યું કે ચાલુ પેપરમાં એક દીકરીની તબિયત બગડી હતી. જે ધ્યાને આવતા આઇપીએસ સ્કૂલ સ્થળ સંચાલક તરીકે ભરતભાઈ પટેલ અને સરકારી પ્રતિનિધિ તરીકે વૈદ યોગિતાબેન તાત્કાલિક ડોક્ટર અલ્પેશ સાધુને બોલાવી સારવાર આપી થોડા સમય પછી દીકરીને સારું થતાં પેપર ચાલુ કરાવી દીધું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયા બાદ 10 દિવસ વિતી ચૂક્યા છે. સોમવારે જિલ્લાભરમાં ધો.10નું સવારે હિન્દી, સંસ્કૃત અને ધો.12 સામાન્ય પ્રવાહની હિન્દીની પરીક્ષા યોજાઇ હતી.

જ્યારે સાયન્સ પ્રવાહનું કમ્પ્યૂટર, સંસ્કૃતનું પેપર લેવાયું હતું. જેમાં કુલ 23023 વિદ્યાર્થી પૈકી 22529 હાજર રહ્યા હતા. જ્યારે 494 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે પેપરો સરળ રહેવા સાથે કોઇ નવો કોપી કેસ નોંધાયો ન હતો.

આ અંગે ભાષા વિષય શિક્ષકે જણાવ્યું કે ભાષા વિષયમાં જોડણી, ભાષાકીય ભૂલો વગેરેનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. આજનું પેપર પ્રમાણમાં સરળ અને પાઠ્યપુસ્તક આધારિત તેમજ સળંગ અભ્યાસક્રમને આવરી લઈને પૂછયું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓને ખાસ કરીને વ્યાકરણના પ્રશ્નોમાં માર્ક ઓછા આવે છે પણ આ વર્ષે વ્યાકરણના પ્રશ્નો પણ સરળ પૂછાતા વિદ્યાર્થીઓ વિષયમાં પણ સારા માર્ક્સ મેળવી શકશે.