ગાંધીનગરમાં દિવાળીને રાતે પીંડારડામાં બંધ મકાનમાં ત્રાટકી ત્રણ કલાકમાં રૂ.23.94 લાખના દાગીના, 10 લાખ રોકડા સહિત કુલ રૂ.34.50 લાખની ઘરફોડ ચોરી થયાનો ઘર માલિકે દાવો કરીને ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો પણ દાખલ કરી નાખ્યો હતો. જોકે આ ચોરી મામલે પોલીસે રીઢા ઘરફોડીયાને ઝડપી પાડતા વાસ્તવમાં તેણે કુલ રૂ.1.77 લાખની મત્તાની જ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું છે.
ગરબા જોવા ગયા ને તસ્કરે ત્રાટક્યા ગાંધીનગરના પીંડારડા ગામમાં બળિયાદેવ મંદિર પાસેના ખેતરમાં રહેતા જીવણભાઈ માલજીભાઈ રબારી દિવાળીની રાતે અગિયારેક વાગે તેમના પત્ની અને બાળકોને લઈને ગામમાં કાળકા માતાજીના ગરબા જોવા ગયા હતાં. જ્યાંથી રાત્રિના સવા બે વાગ્યાના અરસામાં તેઓ ઘરે પાછા આવ્યાં હતાં.
ત્યારે ઘરની લોખંડની જાળીનું તૂટેલી હાલતમાં તેમજ જાળી આગળ સોનાના દાગીના મુકવાના બોક્ષ પડેલા જોઈને ચોંકી ઉઠ્યા હતાં. ફરિયાદ મુજબ 34 લાખ 50 હજારથી વધુની મત્તા ચોરાઈ બાદમાં તેમણે રૂ.8.82 લાખની કિંમતનો 7 તોલાનો સોના હાર, રૂ.3.78 લાખની કિંમતનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, રૂ.3.78લાખની બુટ્ટીઓ, રૂ.3.78 લાખના ત્રણ તોલાના સોનાના કડાં , રૂ.1.89 લાખની સોનાની ચાર નંગ વીંટી, રૂ.1.89 લાખની સોનાની ચેઇન, ચાંદીનો જુડો, કેડ કંદોરો, નાકમાં પહેરવાની ચુનીઓ નંગ-5 કિંમત રૂ.42,750, ચાંદીના સિક્કા નંગ-3 કી રૂ.8550, એક મોબાઈલ ફોન તેમજ 10 લાખ રોકડા મળીને કુલ 34 લાખ 50 હજારથી વધુની મત્તા ચોરાઈ હોવાનો દાવો કરી ફરિયાદ આપતા પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી દીધો હતો.

