શનિવારે નારાયણ સરોવરની બજારો બંધ રહેતાં લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.બે દિવસ પહેલા જ અરબ સાગર કિનારે પ્રાચીન મંદિર કોટેશ્વર ભાવિકો માટે બંધ કરવામાં આવ્યું હતું, જો કે, નારાયણ સરોવર મંદિર ખુલ્લું રહેતા એકલદોકલ તેમજ વહેલી સવારે શનિવારના લક્ઝરી બસના ભાવિકો નારાયણ સરોવર પહોંચ્યા હતા.
તીર્થધામ નારાયણ સરોવરમાં વહેલી સવારે ભાવિકો, ગ્રામજનોની ચહલ-પહલ જોવા મળી હતી. બપોર બાદ દુકાનો બંધ થતાં કચ્છ હાઈ એલર્ટ પર આવતા યાત્રાળુઓ પણ નહિવત બન્યા હતા. બપોર બાદ દુકાનો બંધ થતા લોકડાઉન લોકોને યાદ આવ્યું હતું. એસટી બસો હજુ આવન જાવન કરી રહી છે. એસટી બસોમાં નારાયણ સરોવર ગામના જ આવન-જાવન કરી રહ્યા છેે.
ગામના યુવા અગ્રણી યોગેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, નારાયણ સરોવરના જ કામ માટે બહાર ગયા હોય તેવા લોકો જ એસટી બસમાં આવન જાવન કરી રહ્યા છે. નારાયણ સરોવરના વેપારી કૌશિક અનમ, અનિલ જોશીએ જણાવ્યું હતું કે, નારાયણ સરોવર તેમજ આસપાસના 15 ગામના લોકો નારાયણ સરોવરમાં રાશન લેવા આવતા હોય છે.
હજુ સુધી રાશન ઘરે જમા કરવા તડાપડી જોવા મળતી નથી. લોકોએ પણ જણાવ્યું હતું કે, પ્રશાસનના માર્ગદર્શન મુજબ જ આગળ વધાશે.
બીજી બાજુ કોટેશ્વર મંદિરના પૂજારી દિનેશગિરિ બાપુ, નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી બોર્ડર ઉપર સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ભાવિકો નારાયણ સરોવર તેમજ કોટેશ્વર દર્શન માટે ન આવે, પ્રશાસનની સૂચનાનું પાલન કરી પોતાનું ગામ અને પોતાના ઘરે સુરક્ષિત રહે.