Gujarat

સેવાલિયાના પાલી વિસ્તારને જોડતા માર્ગ પર દબાણો અને ગંદકીથી રહીશ પરેશાન

સેવાલિયા રેલવે સ્ટેશનથી પાલી ગામ સહિત 35 ગામોના સ્મશાન તેમજ દેવઘોડા મહાદેવ મંદિરને જોડતા 300 મીટર જેટલા રસ્તાને સ્થાનિક તેમજ વ્યાપારિક દબાણકારોએ તોડી ખાડાઓ પાડી તેમાંથી ગંદુ પાણી કાઢી હેરાનગતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે પાલી ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને ગળતેશ્વર મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

સેવાલિયાના 35 ગામોના સ્મશાન તેમજ દેવધોડા મહાદેવ મંદિરને જોડતા 300 મીટર જેટલા રસ્તા પર સ્થાનિકો દ્વારા દબાણો ઉભા કરાતાં ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને ગળતેશ્વર મામલતદારને રજૂઆત કરી હતી..

જેમાં ૩૦૦ મીટર જેટલા પાલી રોડ ઉપર બન્ને બાજુ ગેરકાયદે દબાણો ઊભા કરી રહેણાક ઘરો તેમજ દુકાનો ઉભી કરી દેવાઈ છે. પંરતુ હાલમાં આ દોજખ જોખમ સાથેનો એકમાત્ર રોડ પાલી વાસીઓ તેમજ રાહદારીઓના જીવ સાથે ખેલી રહ્યો હોય તેમ જણાય છે.

આ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બનેલા રોડ પર હાલમાં કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય વ્યાપ્યું છે. જેને કારણે હાલમાં આ રોડનો ઉપયોગ કરતા ગ્રામવાસીઓ, વિદ્યાર્થીઓ, મહિલા ગૃહિણીઓ, વૃદ્ધો, ડાઘુઓ, ધાર્મિક ભક્તોને આ રોડ ઉપરથી પસાર થતાં ગંદકી યુક્ત થવા પડવાનો વારો આવ્યો છે.

જેને લઈ ગ્રામજનોએ અમારો હક આપો, દબાણ દૂર કરો, ગંદકી દૂર કરો અને અમને ન્યાય આપના સૂત્રોચ્ચાર સાથે પદ રેલી યોજી તાલુકા વિકાસ અધિકારી આર.એસ. જોશી અને ગળતેશ્વર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.