કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે રક્ષિત ચોરસિયાએ આઠ જણાને કારથી ઉડાવી દેતાં. એક મહિલાનું મોત અને સાત જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે રક્ષિતે અઢી મહિના અગાઉ પણ આવી જ રીતે સેવાસી રોડ પર પણ આ જ કારને બેફામ હંકારી હતી અને કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. કારેલીબાગની ઘટના મુજબ પ્રાંશુ ચૌહાણ પણ રક્ષિતની બાજુમાં જ બેઠો હતો. જોકે સદનસીબે તે સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી.
સુત્રો મુજબ, કરજણ ડિઓન ટેક્નોલોજી પ્રા.લી.ના નામે રજીસ્ટર કાર વોક્સવેગન વર્ટસ જીટી GJ-06-RA-6879 પ્રાંશુ ચૌહાણની હોવાનું સામે આવ્યું હતું. આ કાર 8 નવેમ્બર, 2024એ રજીસ્ટર થઈ હતી. ત્યારે કાર લીધાના એક મહિના બાદ ડિસેમ્બરમાં રક્ષિત ચોરસિયા અને તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ સેવાસી રોડ તરફ નીકળ્યા હતા.
કારેલીબાગની ઘટના મુજબ જ રક્ષિત કાર ચલાવતો હતો અને પ્રાંશુ તેની બાજુમાં બેઠો હતો. સેવાસી રોડ પર પણ રક્ષિતે બેફામ કાર હંકારી હતી. તે સમયે કાર એટલી સ્પીડમાં હતી કે, તે કાર રક્ષિતના નિયંત્રણમાં ન રહેતાં રોડની નીચે ઉતરી ગઈ હતી. જે-તે સમયે કારને ઘણું નુકસાન થયું હતું.
જોકે અઢી માસ અગાઉ સેવાસી રોડ ખાતે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. બંને મિત્રો સહી સલામત ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે ફરી રક્ષિતે બેફામ કાર હંકારી કારેલીબાગમાં આઠ જણાને ઉડાવ્યા હતા. ત્યારે પોલીસ આ મામલે તપાસ કરે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે.

