Gujarat

ઓલિમ્પિક માટે રાજ્ય સરકાર સ્વિત્ઝર્લેન્ડમાં ઓફિસ ખોલશે, 20 ડિસેમ્બરે નાયબ મુખ્યમંત્રી ટીમ સાથે જશે

ગઇ 26 નવેમ્બરે ગુજરાતમાં કોમનવેલ્થ રમતોના આયોજનની વિધિવત્ જાહેરાત થઇ તે પછી ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2030માં કોમનવેલ્થ બાદ 2036માં ઓલિમ્પિક રમતો પણ ગુજરાતમાં જ યોજાશે તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર સ્વિત્ઝર્લેન્ડના લુસાનમાં એક અલાયદી કચેરી શરૂ કરવા જઇ રહી છે. આવતા સપ્તાહે 16થી 20 ડિસેમ્બર દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સરકારના અધિકારીઓની એક ટીમ લુસાન જવા નીકળી રહી છે.

ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સફળતા ઓલિમ્પિક રમતોના આયોજન માટે વધુ ઉજળી તકો ઊભી કરશે. અમે અમારી તૈયારી માત્ર કોમનવેલ્થ પૂરતી મર્યાદિત રાખવાને બદલે ઓલિમ્પિક રમતોને દૃષ્ટિમાં રાખીને શરૂ કરી છે. તેથી જ આવતા સપ્તાહે લુસાનમાં યોજાનારી બેઠકોમાં પાંચ દિવસ દરમિયાન ઘણા ઘટનાક્રમો સર્જાવા જઇ રહ્યા છે.

સ્વિત્ઝર્લેન્ડના લુસાન શહેરમાં ઓલિમ્પિક એસોસિએશનની મુખ્ય કચેરી આવેલી છે. અહીં જ ગુજરાત સરકાર પોતાની કચેરી બનાવી તેમાં તજ્જ્ઞોની કન્સલ્ટન્ટ તરીકે ભરતી કરશે. આ ઉપરાંત કેટલીક જગ્યાઓ પર અધિકારી કક્ષાના લોકોની ભરતી પણ થશે. આ કચેરીનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે, પણ તેનાથી ફાયદો એ થશે કે ભવિષ્યમાં ઓલિમ્પિક એસોસિએશન સાથેનો કોઇપણ પ્રકારનો સંવાદ કે સંદેશા વ્યવહાર આ કચેરી મારફતે થશે.