Gujarat

28-30 એપ્રિલે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 55મો સમૂહલગ્ન સમારોહ યોજાશે

કચ્છના અબડાસા તાલુકાના જખૌ ગામમાં ભગવાન ઓધવરામજીના જન્મસ્થળે નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી જખૌ ભાનુશાલી મહાજન, કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને અખિલ ભારતીય હરિઓમ પરિવાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

28 એપ્રિલના રોજ સવારે 9:30 કલાકે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થશે. બપોરે મંડપ પ્રવેશ અને શોભાયાત્રા યોજાશે. સાંજે કુટીર હોમ, જલાધિવાસ અને આરતી બાદ દેશભરથી આવેલી માતાઓ, બહેનો અને બાલિકાઓ દ્વારા ઓધવ મહારાસનું આયોજન થશે.

29 એપ્રિલે સવારથી સાંજ સુધી શિવ શક્તિ મહાયજ્ઞ યોજાશે. હરિદ્વારથી આવેલી ઓધવ જ્યોત દ્વારા યજ્ઞનો પ્રારંભ થશે. આ દિવસે 24 કલાક ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. 30 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે સ્થાપિત દેવતા પૂજન, બપોરે પ્રાણ પ્રતિષ્ઠા અને પૂર્ણાહુતિ સાથે 55મો સમૂહલગ્ન મહોત્સવ યોજાશે. સ્થાનિક મહાજન અને દેશ મહાજને તમામ વર્ણ અને સમાજના લોકોને કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તુલસીભાઈ, લીલાધરભાઇ, રાજભાઈ સહિત વીસથી વધુ ભાનુશાલી આગેવાનો આ આયોજનમાં જોડાયા છે.