નડિયાદને વધુ હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે.
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ‘માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ’ના સહયોગથી મેઘા વૃક્ષારોપણ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.
વાણિયાવાડ ક્રોસિંગથી પીપલગ ગામ સુધીના લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં રોડની બંને બાજુએ 1200 વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વૃક્ષારોપણ કાર્યક્રમની વિશેષતા એ છે કે વૃક્ષો રોડથી યોગ્ય અંતરે રોપવામાં આવી રહ્યા છે.
આથી ભવિષ્યમાં રસ્તા પહોળા કરવાની જરૂર પડે તો વૃક્ષો અવરોધરૂપ નહીં બને.

હાલમાં નડિયાદ ગ્રીન ઝોનમાં આવે છે. અનેક સામાજિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરને હરિયાળું બનાવવાની પ્રવૃત્તિઓમાં સક્રિય છે.
ધારાસભ્ય પંકજ દેસાઈએ અન્ય સંસ્થાઓને પણ શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

કાર્યક્રમમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સર્વ મંગલ સ્વામી, ભાજપના કાર્યકરો અને માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
યોગી ફાર્મના ગેટ પાસે વૃક્ષારોપણ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
