Gujarat

એટીએમમાં મદદના બહાને કાર્ડ બદલીને 23 લોકોના નાણા ઉપાડી લેનાર ઠગ ઝબ્બે

નડિયાદમાં એટીએમ કાર્ડ બદલી રૂ 1 લાખ સેરવી લેનાર આણંદના શખ્સને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે.

પોલીસે બેંકના અને નેત્રમ કમાન્ડ કન્ટ્રોલ સીસીટીવી ફૂટેજ ચેક કરતા અગાઉ 23 જેટલા ગુના આચરનાર શખ્સ હોવાનું માલુમ પડતા પોલીસે અટકાયત કરી હતી.

જે બાદ પૂછપરછ કરી પૈસા સેરવી લીધા હોવાની કબુલાત કરતા પોલીસે રૂ 46 હજાર રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ શહેરના મંજીપુરા અમરનાથ સોસાયટીમાં રહેતા મૂળજીભાઈ રોહિત ઉં.63 તા.16 મેની સાંજે 4 વાગ્યે મિત્ર ઇશાકભાઇ સાથે શહેરના સ્ટેચ્યુ પાસે ઉભા હતા તે સમયે વૃધ્ધને રૂ 5 હજારની જરૂરિયાત ઉભી થતા ઇશાકભાઇ એટીએમ કાર્ડ આપી પૈસા ઉપાડવા મોકલ્યા હતા.

જેની થોડીવાર બાદ ઇશાકભાઇ પરત આવી વૃધ્ધને કહ્યું હતું કે એટીએમમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૈસા ઉપડયા ન હતા.

જે બાદ ત્યાં હાજર એક અજાણ્યા શખ્સની પણ મદદ લીધી હતી પરંતુ પૈસા ઉપડયા ન હતા.બીજી તરફ વૃધ્ધના મોબાઇલમાં પૈસા ઉપડયા હોવાના મેસેજ આવતા ચેક કરતા એકાઉન્ટમાંથી રૂ 1 લાખ ઉપડી ગયા હતા.

આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હતી.જેમાં એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ અને નેત્રમ કમાન્ડ કંટ્રોલ કેમેરા ચેક કરતા અગાઉ આજ પ્રકારના 23 જેટલા ગુના આચરનાર શખ્સ નજરે પડ્યો હતો.

આ બાદ પોલીસે શકમંદ શખ્સની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી.

આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે તુષાર અનિલભાઇ કોઠારી રહે ભયલાલભાઇની ગલી ચરોતર બેંક પાસે આણંદની અટકાયત કરી રૂ 46,500 કબ્જે કર્યા છે.ત્યારે બાકીના પૈસા બેંક એકાઉન્ટમાં હોવાના કારણે તજવીજ હાથ ધરી છે.