રાજ્યમાં 9 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે 12 ઓગસ્ટના રોજ રાજકોટમાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આજની તિરંગા યાત્રાથી રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયુ હતું. આ તિરંગા યાત્રામાં શહેરની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભાગરૂપે હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા સ્લોગન સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા ‘તિરંગા યાત્રા’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં ‘તિરંગા યાત્રા’નું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં આતંકી હૂમલા બાદ દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના વીર જવાનોએ “ઓપરેશન સિંદૂર” હાથ ધરી શત્રૂઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની સરહદ પર ત્રણેય ઋતુમાં ચોવીસે કલાક ખડેપગે રહી દેશની એકતા અને અખંડિતતા માટે લડતા સેનાના બહાદૂર જવાનોનો જુસ્સો વધારવા અને તિરંગાના સન્માનમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ઉમટી પડેલી આટલી મોટી વિશાળ જનમેદની એ બાબતની સાક્ષી પૂરે છે કે, આપણા સૌમાં દેશદાઝ છલકાઈ રહી છે.
દેશના શત્રુઓ સામે આપણે સૌએ એકસાથે મળીને લડવું પડશે અને બલિદાન આપવાની તૈયારી પણ રાખવી એ આપણી ફરજ છે. દેશ માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટે આપણે સૌએ તત્પર રહીએ અને દેશની એકતા અને પ્રગતિ માટે સંકલ્પ કરીએ એ જ આ પ્રસંગનો સંદેશ છે.